ડોક્ટર પર રેપ-હત્યાનો આરોપી સંજય 'પાશ્વી' વૃત્તિવાળો, કૃત્યનો જરા પણ પસ્તાવો નથી

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ડોક્ટર પર રેપ-હત્યાનો આરોપી સંજય 'પાશ્વી' વૃત્તિવાળો, કૃત્યનો જરા પણ પસ્તાવો નથી 1 - image


- સીબીઆઇએ તૈયાર કરાવેલી સાઇકો પ્રોફાઇલમાં ખુલાસો

- પોર્ન એડિક્ટ સંજય વુમનાઇઝર, 33 વર્ષની વય સુધીમાં ચાર વખત લગ્ન કર્યા, મોબાઇલમાંથી અનેક પોર્ન વીડિયો મળ્યા હતા

- ઘટનાવાળા રૂમમાં પ્રવેશ્યો ત્યારે કાને બ્લૂટૂથ હતા બહાર આવ્યો ત્યારે નહોતા : સીસીટીવીમાં ખુલાસો

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ આરોપી સંજય રોયની સાઇકોએનાલિટિક પ્રોફાઇલ તૈયાર કરાવી હતી.  જેમાં સામે આવ્યું છે કે આરોપી વિકૃત મગજનો અને પોર્નોગ્રાફીનું એડિક્શન ધરાવતો હતો. તેની માનસિકતા પશુ જેવી થઇ ગઇ હોવાથી આટલા જઘન્ય અપરાધને અંજામ આપ્યો હોવા છતા તેનો અપરાધી સંજય રોયને કોઇ જ અફસોસ ન હોવાનું સીબીઆઇની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું.  

સીબીઆઇના સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે આરોપી સંજય રોયે પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટનાનું વિસ્તૃત વર્ણન કર્યું હતું, જે દરમિયાન તેના ચહેરા પર જરા પણ પસ્તાવો જોવા નહોતો મળ્યો. સીબીઆઇએ સીએફએસએલને સંજય રોયની સાઇકોએનાલિટિક પ્રોફાઇલ તૈયાર કરવા કહ્યું હતું, આ પ્રોફાઇલ પરથી સામે આવ્યું છે કે સંજય રોય વિકૃત મગજનો અને પશુ વૃત્તિ ધરાવતો એક પોર્ન એડિક્ટ ગુનેગાર છે. જોકે સંજય રોયની વકીલ કબીતા સરકારે દાવો કર્યો હતો કે સંજય રોયે કોર્ટમાં જણાવ્યું છે કે તેણે આ અપરાધ નથી કર્યો માટે તે તમામ પ્રકારના ટેસ્ટ માટે તૈયાર છે. કોર્ટે સંજય રોયનો પોલોગ્રાફી ટેસ્ટ કરવાની છૂટ આપી છે. જેને પગલે હવે સીબીઆઇ તેનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરશે જેમાં તે કેટલુ સાચુ અને કેટલું જૂઠુ બોલે છે તેની માહિતી મળી રહે તેવી આશા છે. 

આરોપી સંજય રોય વર્ષ ૨૦૧૯માં પોલીસ વિભાગમાં સિવિક વોલન્ટિયર તરીકે જોડાયો હતો. પોલીસે દાવો કર્યો છે કે સંજય વુમનાઇઝર છે, તે અગાઉ ૩૩ વર્ષની વયમાં જ ચાર વખત લગ્ન કરી ચુક્યો છે. સીબીઆઇને હાઇકોર્ટે તપાસ સોંપી તે પહેલા પોલીસે સંજય રોયના મોબાઇલની તપાસ કરી હતી જેમાંથી અનેક પોર્ન વીડિયો પણ મળી આવ્યા હતા. સીબીઆઇની ટીમે આરોપીના ઘરની પણ મુલાકાત લીધી હતી જે દરમિયાન પરિવારજનો અને આસપાસના લોકોની સાથે સંજય રોય વિશે માહિતી મેળવી હતી. 

સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે ઘટનાની રાત્રે સંજય રોય હોસ્પિટલમાં સેમિનાર હોલમાં ગયો હતો તે સમયે તેના કાને બ્લૂટૂથ લગાવેલા હતા, જ્યારે પાછો આવ્યો ત્યારે તે નહોતા. આ બ્લૂટૂથ બાદમાં ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. જેને સંજય રોયના મોબાઇલ સાથે કનેક્ટ કરાયા હતા અને તે કનેક્ટ થઇ ગયા હતા. જે બાદ સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ કલકત્તા હાઇકોર્ટે ઘટના બની તે આઇજી કર હોસ્પિટલમાં નાણાકીય ગેરવહીવટની તપાસ એસઆઇટી પાસેથી લઇને સીબીઆઇને સોંપી દીધી છે. જ્યારે પશ્ચિમ બંગાળના તમામ પોલીસ સ્ટેશનોની બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

કોલકાતાની ઘટનાના પડઘા વિદેશમાં : બ્રિટનમાં રેલીઓ કઢાઇ

કોલકાતાની હોસ્પિટલમાં ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાની ચર્ચા ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ થવા લાગી છે અને અન્ય દેશોમાં આ મામલે મૂળ ભારતીયો વિરોધ પ્રદર્શન પણ કરવા લાગ્યા છે. બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા મૂળ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ પીડિતાને ન્યાય માટે રેલીઓ કાઢી હતી. લંડનમાં મહાત્મા ગાંધીજીના સ્મારક પાસે મહિલા સંગઠનો દ્વારા શાંતિપૂર્વક રેલી કઢાઇ હતી. જ્યારે લિવરપૂલમાં એસએફઆઇ-યુકે દ્વારા રેલી કાઢવામાં આવી હતી. હાથમાં મીણબત્તી લઇને હજારો લોકોએ પીડિતાને ન્યાય અપાવવા અને મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.


Google NewsGoogle News