વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો મળશે પગાર, સાંસદો અને મંત્રીઓને કઈ કઈ સુવિધાઓ અપાય છે?

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો મળશે પગાર, સાંસદો અને મંત્રીઓને કઈ કઈ સુવિધાઓ અપાય છે? 1 - image


PM Modi Oath taking Ceremony: નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન પદ માટે ત્રીજી વાર શપથ લેવા જઇ રહ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહ (Oath taking ceremony)ની બધી તૈયારી થઇ ચૂકી છે. આશરે 9000 જેટલા ખાસ મહેમાનોની હાજરીમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર PM પદ માટે શપથ લેશે. તેમની સાથે કેબિનેટ મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. 

વડાપ્રધાનને મળતો પગાર અને સુવિધાઓ

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને માસિક રૂપિયા 1.66 લાખ પગાર આપવામાં આવશે. 50 હજારની બેઝિક પગાર સાથે અંગત ખર્ચ માટે 3000 રૂપિયા , 45 હજાર રૂપિયા પાર્ટિયામેન્ટરી એલાઉન્સ, 2000 રૂપિયા દૈનિક ભથ્થું મળશે. ભારતના વડાપ્રધાનને પગાર ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ મળે છે, જેમાં સરકારી ઘર, સુરક્ષા, સરકારી વાહન, એરક્રાફ્ટમાં ટ્રાવેલની સુવિધા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર ફૂડ ખર્ચ, ટેલિફોન કનેક્શન, સ્ટાફનો સમાવેશ થાય છે.

નિવૃત્તિ પછી પણ મળે છે સુવિધાઓ

આ ઉપરાંત PMને નિવૃત્તિ બાદ પણ પાંચ વર્ષ માટે ઘર, વીજળી, SPG સુરક્ષા મળે છે. વધુમાં તેમને ટેક્સ ફ્રી ભથ્થાં પણ મળે છે. જેમાં ટ્રેન અને વિમાનથી મફત યાત્રા, મફત ઘર, સ્વાસ્થ્ય સંભાળ ખર્ચ અને કાર્યાલયના ખર્ચ માટે વાર્ષિક 1 લાખ રૂપિયા મળે છે.

સાંસદોને મળતી સેલેરી અને સુવિધાઓ

લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી સાંસદ બનેલા નેતાઓને માસિક 1 લાખ રૂપિયા પગાર મળે છે. આ પગાર ઉપરાંત સાંસદોને દૈનિક ભથ્થું પણ આપવામાં આવે છે જેમાં દર પાંચ વર્ષે વધારો કરવામાં આવે છે. સાંસદોને સંસદ સત્ર, સમિતિની બેઠકોમાં ભાગ લેવા માટે 2000 રૂપિયાનો દૈનિક ભથ્થું, સડક યાત્રા માટે 16 રૂપિયા પ્રતિ કિલોમીટરનો મુસાફરી ભથ્થું પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના મત વિસ્તાર માટે 45 હજારનું ભથ્થું તેમજ ઓફિસ ખર્ચ માટે માસિક 45 હજાર રૂપિયા અપાય છે. નિવૃત્તિ બાદ પેન્શનરૂપે દર મહિને 25 હજાર રૂપિયા ઉપરાંત સરકારી ઘર, મફત વીજળી અને ટેલિફોન ખર્ચ પણ આપવામાં આવે છે.

કેબિનેટ મંત્રીઓને મળતી સેલેરી અને સુવિધાઓ

કેબિનેટ મંત્રીઓને પગાર ઉપરાંત ભથ્થાં અને સરકારી સુવિધાઓ મળે છે. કેબિનેટ મંત્રીઓને માસિક 1 લાખ રૂપિયા પગાર, દિલ્હીમાં સરકારી આવાસ, સરકારી ગાડી, મુસાફરી ભથ્થું, અંગત ડ્રાઇવર, સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષા અને ઓફિસ સ્ટાફ જેવી સુવિધાઓ મળે છે. વધુમાં, સ્ટેશનરી અને ટપાલ માટે 15,000 રૂપિયા, સાંસદ ઉપરાંત તેમના પરિવારને ફ્રી મેડિકલ સુવિધા, ટ્રેન અને ફ્લાઇટમાં મફત મુસાફરી (નક્કી કરેલી મર્યાદા મુજબ) આપવામાં આવે છે.


Google NewsGoogle News