વિધાનસભા ચૂંટણીના પરાજયનો ગુસ્સો લોકસભામાં ન કાઢતા : પીએમ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
વિધાનસભા ચૂંટણીના પરાજયનો ગુસ્સો લોકસભામાં ન કાઢતા : પીએમ 1 - image


- સંસદીય સત્ર હકારાત્મક રીતે ચલાવવા મોદીનું આહવાન

- સંસદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસે સ્ટ્રેટેજી બનાવી : સોનિયા ગાંધીના ઘરે બેઠક યોજાઈ

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર શરુ થતાં પહેલા પીએમ મોદીએ કોંગ્રેસ સહિત સમક્ષ વિપક્ષ પર હળવો કટાક્ષ કરતા જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીના પરાજયનો ગુસ્સો લોકસભામાં ન કાઢતા. બધા સાંસદોને આગ્રહ છે કે તે વધુને વધુ તૈયારીઓ સાથે  આવે. સારી દરખાસ્તો મૂકે અને તે મુજબ કામ કરે. સાંસદ દરખાસ્ત મૂકે તો તેમા વાસ્તવિક અનુભવ હોય છ, પણ તેના પર ચર્ચા ન થાય તો દેશ કંઇક ગુમાવે છે. 

જો વર્તમાન ચૂંટણીના પરિણામોના આધારે કહું તો વિપક્ષના સાંસદો માટે આ શીખવાની તક છે. તેમણે પરાજયનો ગુસ્સો કાઢવાના બદલે હકારાત્મક રીતે કામ કરવું જોઈએ. તેઓ છેલ્લા નવ વર્ષથી નકારાત્મક વિચાર ફેલાવતા રહ્યા છે, તેમણે બદલાવું પડશે. વિપક્ષ વિરોધ માટે વિરોધ કરવાની પદ્ધતિ છોડે. લોકશાહીમાં વિપક્ષ પણ શાસક પક્ષ જેટલો જ મૂલ્યવાન છે. પીએમે જણાવ્યું હતું કે દેશના લોકોએ નકારાત્મકતાને નકારી છે. તેથી વિપક્ષે પણ સકારાત્મક રીતે વિચારવું પડશે. જો તેઓ આમ કરે છે તો ફરીથી સંભાવનાઓના નવા દરવાજા ખુલી શકે છે. સંભાવનાઓ ક્યારેય ખતમ થતી નથી. ઠંડી ભલે ધીમી ગતિએ આવી રહી હોય, પરંતુ રાજકારણની ગરમી ઝડપથી આગળ વધી રહી છે. આ સિવાય તાજેતરની ચૂંટણીમાં બે રાજ્ય ગુમાવનારી કોંગ્રેસે સંસદના શિયાળુ સત્ર માટે તૈયારી આદરી છે. તેના ભાગરૂપે કોંગ્રેસની પાર્લામેન્ટરી સ્ટ્રેટેજી કમિટીની બેઠક સોનિયા ગાંધીના ઘરે યોજી હતી.આ બેઠકમાં સંસદમાં કોંગ્રેસની આગામી રણનીતિને લઈને ચર્ચા થઈ. આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ ગૌરવ ગોગોઈ, નાસિરહુસૈન, મણિકમ ટેગોર, પ્રમોદ તિવારી, અભિષેક મનુ સિંઘવી, સાંસદ મનીષ તિવારી, પી. ચિદમ્બરમ, રજની પાટિલ, કે સી વેણુગોપાલ, સાંસદ શશી થરૂર, રવનીતિ બિટ્ટુ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા સામેલ હતા.સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીના પ્રથમ દિવસે સમગ્ર કાયદાકીય વ્યવસાયને એક જ કાયદાની અંદર આવરી લેતો કાયદો લોકસભાએ પસાર કર્યો હતો. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે જણાવ્યું હતું કે દેશની કોર્ટોમાં ઠગોની કોઈ ભૂમિકા નથી. રાજ્યસભાએ ચોમાસુ સત્રમાં આ બિલ પસાર કરી દીધુ હતુ. આમ હવે તે લોકસભામાં પસાર થવાનું બાકી હતી જે પસાર થઈ ગયું છે. આ ઉપરાંત માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ૧૨૫ વર્ષ જૂનો ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ સુધારી છેલ્લા નવ વર્ષમાં પોસ્ટ ઓફિસ અને પોસ્ટલ સંસ્થાઓમાં પ્રાણ ફૂંકાયો તે જણાવ્યું હતું. રાજ્યસભાએ ચોમાસુ સત્રમાં પોસ્ટલ ઓફિસ બિલ ૨૦૨૩ પસાર કરી દીધુ હતુ. તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ૬૬૦ પોસ્ટ ઓફિસ બંધ કરવામાં આવી હતી. જ્યારે ૨૦૧૪થી ૨૦૨૩ દરમિયાન પાંચ હજાર પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News