ઉદ્ધવ ઠાકરે સામે નમતું જોખવાની જરૂર નથી! મહારાષ્ટ્ર કોંગ્રેસનો હાઈકમાન્ડને મેસેજ
Maharashtra Election News: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને પોતાની પ્રથમ 99 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પરંતુ તેને મજબૂત ટક્કર આપનારા હરીફ મહાવિકાસ અઘાડી ગઠબંધન બેઠક ફાળવણી મુદ્દે અટવાયું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે દિલ્હી હાઈ કમાન્ડને સ્પષ્ટપણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સામે નમતુ ન જોખવા સૂચન કર્યું છે, વિદર્ભમાં શિવસેનાના દબાણ હેઠળ બેઠકો ન ફાળવવા કહ્યું છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસને મહારાષ્ટ્રમાં ઘણી અપેક્ષા છે, જ્યાંથી તેના 13 સાંસદોએ જીત હાંસલ કરી હતી. કોંગ્રેસ NCP (શરદ પવાર) સાથે પણ વાતચીત કરી રહી છે. તેણે પણ વિદર્ભમાં બેઠક માગી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓએ ઉદ્ધવ ઠાકરે જૂથ પર બેઠક વહેંચણીમાં વધુ ભાગીદારી માગવા માટે દબાણ થઈ રહ્યું હોવાનો આરોપ મૂક્યો છે.
કોંગ્રેસ નેતાએ શું કહ્યું?
મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું છે કે, "શિવસેના (UBT) જે બેઠકોની માંગ કરી રહી છે ત્યાં તેની હાજરી નથી. જ્યારે શિવસેના ભાજપ સાથે ગઠબંધનમાં હતી ત્યારે ભાજપે પણ તેઓએ તે બેઠકો નથી ફાળવી. હવે તે અમારી બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. પરંતુ વાસ્તવમાં તે અમારા માટે જીતવા લાયક યોગ્ય બેઠકો છે. ઉલ્લેખનીય છે, ઉદ્ધવ જૂથે વિદર્ભમાંથી 12 બેઠકો માગી હતી. જો કે, કોંગ્રેસ ત્યાં સારૂ એવુ વર્ચસ્વ ધરાવે છે.
ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે બેઠકોની વહેંચણીની વાતચીતને "બ્રેકીંગ પોઈન્ટ" સુધી વધારવી નહીં. જો કે, કોંગ્રેસ નમતુ મૂકવા માગતી નથી. જેથી શિવસેના (યુબીટી)એ પીછેહટ કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ તેમના નેતૃત્વને કહ્યું છે કે ઉદ્ધવ અને પવાર જૂથ બેઠકોની માગ કરી રહ્યું નથી, પરંતુ તેને જીતવા લાયક બેઠકો ફાળવવા દબાણ કરી રહ્યું છે.
સંજય રાઉત બોલ્યા...
સંજય રાઉતે કહ્યું કે, અમે વિદર્ભમાં કોંગ્રેસ પાસે બેઠકો માગી હતી. કારણકે, ત્યાં એનસીપી (શરદ પવાર)ની ઉપસ્થિતિ નહિંવત્ત છે. યુબીટીના રાજ્યસભા સાંસદ બે દિવસ પહેલાં જ કોંગ્રેસ પર આ મુદ્દે નિશાન સાધી રહ્યા હતા.
કોંગ્રેસ આ મતભેદ ઝડપથી ઉકેલશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કેટલીક બેઠકો પર તેમના સાથી પક્ષો સાથે મતભેદો ઉકેલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સોમવારે AICC સ્ક્રિનિંગ કમિટી અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક દરમિયાન આ નેતાઓએ કહ્યું કે મંગળવારે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. અમારી વચ્ચે કોઈ ગંભીર મતભેદ નથી. અમે એકજૂટ છીએ. બાકીની બેઠકો અંગે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવીશું. મહારાષ્ટ્ર પીસીસીના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે ‘એમવીએમાં તેના હરીફ મહાયુતિ કરતાં વધુ એકતા છે. અમે મંગળવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીશું. એમવીએમાં 30-40 બેઠકો પરના મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.’