Get The App

'કોર્ટને ન્યાયનું મંદિર ન કહો, નહીંતર જજો પોતાને ભગવાન...', CJIની દેશના લોકોને મહત્ત્વની સલાહ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
'કોર્ટને ન્યાયનું મંદિર ન કહો, નહીંતર જજો પોતાને ભગવાન...', CJIની દેશના લોકોને મહત્ત્વની સલાહ 1 - image


CJI Chandrachud News : દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે કોર્ટોને ન્યાયનું મંદિર ના ગણવી જોઇએ, કેમ કે જો એમ કરવામાં આવશે તો જજો પોતાને ભગવાન માનવા લાગશે. જજોની સરખામણી ભગવાન સાથે કરવી ખતરનાક છે કેમ કે જજોની જવાબદારી આમ નાગરિકોના હિતોમાં કામ કરવાની છે. કોલકાતામાં નેશનલ જ્યૂડિશિયલ એકેડમીના સંમ્મેલનને સંબોધન દરમિયાન મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી કરી હતી.

મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે અવારનવાર અમને ઓનર યા લોર્ડશિપ કે લેડીશિપ કહીને સંબોધવામાં આવે છે. જ્યારે લોકો કોર્ટોને ન્યાયનું મંદિર માનવા લાગે છે ત્યારે એક ખતરો એ રહે છે કે જજો પોતાને ભગવાન માનવા લાગે છે. અને જજોની સરખામણી ભગવાન સાથે ના કરવી જોઇએ. જજોનું કામ લોકોની સેવા કરવાનું છે. જ્યારે તમે ખુદને એવી વ્યક્તિના રૂપમાં જોવો છો કે જેનું કામ લોકોની સેવા કરવાનું છે ત્યારે તમારી અંદર પણ બીજા પ્રત્યે સંવેદના અને પૂર્વાગ્રહ મુક્ત ન્યાય કરવાનો ભાવ પેદા થશે. 

કોઇ ક્રિમિનલ કેસમાં પણ સજા આપતી વખતે જજો સંવેદના સાથે આવુ કરે છે કેમ કે અંતે તો કોઇ માનવીને સજા આપવામાં આવી રહી છે. તેથી મારુ માનવુ છે કે બંધારણીય નૈતિકતાની અવધારણાઓ મહત્વપૂર્ણ છે. 

મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ હાજર રહ્યા હતા, મમતાએ મુખ્ય ન્યાયાધીશની સામે જ ન્યાયપાલિકાને લઇને એક મોટુ નિવેદન આપ્યું હતું. મમતાએ કહ્યું હતું કે ન્યાયપાલિકામાં કોઇ પક્ષપાત ના થવો જોઇએ. મમતાએ સુપ્રીમ, હાઇકોર્ટ અને અન્ય કોર્ટોના ન્યાયાધીશોને વિનંતી કરી હતી કે ન્યાયપાલિકા કોઇ પણ રાજકીય પૂર્વાગ્રહ મુક્ત રહે તેની તકેદારી રાખવી જોઇએ. ન્યાયપાલિકાએ બિલકુલ નિષ્પક્ષ અને ઇમાનદાર રહેવુ જોઇએ. ન્યાયપાલિકા, લોકશાહી, બંધારણ લોકોના હિતોના સંરક્ષણ માટે ભારતના પાયાના મોટા સ્તંભ છે.મહેરબાની કરીને ધ્યાન રાખો કે ન્યાયપાલિકામાં કોઇ પણ રાજકીય પક્ષપાત ના થાય. 


Google NewsGoogle News