ડીએમઆરએસી અનિલ અંબાણીને રૂ. 8000 કરોડ ચૂકવવા બંધાયેલ નથી : સુપ્રીમ
- સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ અગાઉનો પોતાનો જ ચુકાદો પાછો ખેંચ્યો
- ત્રણ વર્ષ અગાઉ આ કોર્ટની ખંડપીઠે દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કર્યો જેનાથી ''ન્યાયની કસુવાવડ થઇ'' ઃ સુપ્રીમ
- દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો યોગ્ય હતા, સુપ્રીમની ખંડપીઠને હસ્તક્ષેપ કરવાની જરૂર ન હતી ઃ સુપ્રીમ
નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને માન્ય કરી પોતાના ત્રણ વર્ષ જૂના આદેશને આજે પાછો ખેંચી લીધો હતો. અગાઉના આદેશમાં સુપ્રીમ કોર્ટે ડીએમઆરસીને અનિલ અંબાણીની કંપનીને રૂ.૮૦૦૦ કરોડનો આર્બિટ્રેશન એવોર્ડ ચૂકવવા જણાવ્યું હતું. જો કે આજના ચુકાદા પછી દલ્હી મેટ્રો રેલ હવે અનિલ અંબાણીની કંપનીને રૂ.૮૦૦૦ કરોડ ચૂકવવા બંધાયેલી નથી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વમાં રચાયેલી વિશેષ ખંડપીઠે બુધવારે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલત દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને બાજુએ રાખવામાં ભૂલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ડીએમઆરસીએને અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીની પેટા કંપની દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ (ડીએએમઈપીએલ)ને રૂ.૮૦૦૦ કરોડથી વધુની ચૂકવવા બંધાયેલી નથી. સર્વોચ્ચ અદાલતે વધુ કહ્યું છે કે, મનસ્વી ચૂકાદો ન્યાયતંત્રની નિષ્ફળતા કહી શકાય, આ સાથે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે કાર્યવાહી બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતની વિશેષ ખંડપીઠે આ સાથે એમ પણ કહ્યું છે કે, ડીએમઆરસી દ્વારા આજ સુધી જમા કરવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે અને પક્ષકારોને દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો જાહેર કર્યાની તારીખ સમયના તેમના હોદ્દા પર પુનઃસ્થાપિત કરવામાં આવશે. ડીએમઆરસી અને આરઈન્ફ્રાની પેટા કંપની વચ્ચેનો વિવાદ વર્ષ ૨૦૦૮માં દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના નિર્માણ, સંચાલન અને જાળવણી અંગેના કન્સેશન એગ્રીમેન્ટ'થી શરૂ થયો હતો.
અનિલ અંબાણીની દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ (ડીએએમઈપીએલ) એ વર્ષ ૨૦૧૨માં આ કરારને એમ કહીને રદ્દ કર્યો હતો કે, ડીએમઆરસીએ ઓળખી કાઢેલી માળખાકીય ખામીઓને બરોબર કરી નથી. વર્ષ ૨૦૦૭માં ડીએએમઈપીએલનો કરાર ટર્મિનેટ કરવાનો નિર્ણય માન્ય હતો અને તેણે રૂ.૨૯૫૦ કરોડ અને વ્યાજનો લવાદી ચૂકાદો જીત્યો હતો. વર્ષોથી આ કેસ ચાલી રહ્યો છે, ત્યારે વ્યાજ સાથે લવાદી રકમ ૧૪, ફેબુ્રઆરી ૨૦૨૨ સુધીમાં વધીને રૂ.૮૦૦૯.૩૮ કરોડની થઈ ગઈ છે. જેમાંથી ડીએમઆરસી દ્વારા રૂ.૧૬૭૮.૪૨ કરોડની રકમ ચૂકવવામાં આવી છે અને રૂ.૬૩૩૦.૯૬ કરોડની રકમ હજુ ચૂકવવાની બાકી છે. અનિલ અંબાણીની વિરૂદ્વ આ ચૂકાદાના પરિણામે આજે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રચરના શેર ૧૯.૯૯ ટકા એટલે કે રૂ.૫૬.૮૦ તૂટીને રૂ.૨૨૭.૪૦ બંધ રહ્યો હતો. આ દરમિયાન અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા ડીએએમઈપીએલની તરફેણમાં લવાદી ચૂકાદાને રદ કરાયો છે, પરંતુ સુપ્રિમ દ્વારા તેના પર કોઈ જવાબદારી લાદવામાં આવી નથી.