અભિનેતા અને DMDKના ચીફ વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ વેન્ટિલેટર પર હતા
DMDK Chief Vijayakanth Death : અભિનેતામાંથી રાજનેતા બનેલા DMDKના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમની પાર્ટીના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટરમ પર રાખવામાં આવ્યા હતા.
શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા
દક્ષિણના સુપરસ્ટાર અને દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના નેતા વિજયકાંત ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે સ્વસ્થ છે. આજે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
154 ફિલ્મોમાં કામ કર્યું હતું
DMDKના ચીફને 20 નવેમ્બરે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિને જ તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. વિજયકાંતની હોસ્પિટલમાં શ્વાસની બીમારીની સારવાર ચાલી રહી હતી. તેમણે 154 ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તેમની ફિલ્મી સફર શાનદાર રહેતા ઘણી હિટ ફિલ્મો આપી હતી. ફિલ્મો બાદ તેઓ રાજકારણમાં આવ્યા હતા અને તેમણે દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંદિયમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બે વખત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.
વિરોધ પક્ષના નેતા પણ રહ્યા
તેઓ 2011 થી 2016 દરમિયાન તમિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા ત્યારે તેમની રાજકીય કારકિર્દી ચરમસીમાએ હતી. હાલના જ વર્ષોમાં વિજયકાંતની તબિયત ખરાબ હતી જેના કારણે તેમને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું હતું. આ જ કારણ છે કે તેમણે સક્રિય રાજકારણમાંથી ખસી જવું પડ્યું હતું.