નિરાશાના ઘોર અંધકારમાંથી આશાના અજવાળા તરફ લઇ જતો દિપોત્સવ એટલે દિવાળી
દિવાળીમાં માટીના કોડિયામાં દિવો કરવાથી બેકટેરિયાનો નાશ થાય છે
ઝારખંડમાં પ્રકાશપર્વ દિવાળી નિમિત્તે ઘરના બારણા ખુલ્લા રાખવાની પ્રથા
નવી દિલ્હી, 13 નવેમ્બર, 2023, સોમવાર
શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફર્યા તેની ખુશીમાં દીવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે,આ એક જાણીતી વાત છે.આ ઉપરાંત બીજી પણ અનેક કથાઓ અને ઘટનાઓ દિવાળી સાથે સંકળાયેલી છે.એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ રાજા બલીને પાતાળ લોકના સ્વામી બનાવ્યા હતા.આથી ઇન્દ્વએ સ્વર્ગને સુરક્ષિત સમજીને દિવાળી ઉત્સવ ઉજવ્યો હતો.દિવાળીના દિવસે સમુદ્ર મંથન સમયે ક્ષીરસાગરમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને ભગવાન વિષ્ણુને પોતાના પતિ માન્યા હતા.
ચોમાસાની ખેતીની સીઝનના ધન ધાન્યો લણીને ઘરે લાવવામાં આવતા હોવાથી તેની ખૂશીમાં દિવાળી ઉત્સવ ઉજવવાની શરુઆત થઇ હોવાનું પણ માનવામાં આવે છે.દિવાળીનો સ્કન્દપૂરાણ અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.૭ મી શતાબ્દિમાં રાજા હર્ષવર્ધનના નાટકમાં પણ દિપોત્સવનો ઉલ્લેખ છે.૧૦ મી શતાબ્દિમાં રાજશેખરના કાવ્ય મિમાંસામાં પણ દિવાળીની વાત કરવામાં આવી છે.
ગુપ્તવંશિય રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે વિક્રમ સંવતની સ્થાપના કરી હતી.તેણે ધર્મ,ગણિત અને જયોતિષના દિગ્ગજ જાણકારોને આમંત્રણ આપીને મૂર્હત કઢાવ્યું હતું. દિવાળીના દિવસે જ આર્યસમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું નિર્વાણ થયું હતું. દિવાળીની અમાસથી પિતૃઓની રાતનો પ્રારંભ થાય છે. આ પિતૃઓ માર્ગથી ભટકી ના જાય તે માટે દિવાનો પ્રકાશ રેલાવવામાં આવે છે આ પ્રથા પશ્ચીમ બંગાળમાં વિશેષ જોવા મળે છે.
ઝારખંડમાં પ્રકાશપર્વ દિવાળી નિમિત્તે ઘરના બારણા ખુલ્લા રાખવાની પ્રથા છે. લોકોમાં એવી માન્યતા છે કે ઘરનું બારણું બંધ રાખવાથી થતા અંધકારમાં લક્ષ્મીનો પ્રવેશ થતો નથી.પશ્ચીમ બંગાળમાં ઘરની બહાર રંગોળી અને મધ્યરાત્રિએ મહાકાલીની પૂજા કરવામાં આવે છે. દિવાળીની મધ્યરાત્રિને તંત્ર સાધના અને મંત્રો શ્લોક બદલવા માટે ખૂબજ મહત્વની માનવામાં આવે છે.
ઉત્તર ભારતના કેટલાક સ્થળોએ દિવાળીની શરુઆત દશેરા પછી જ થઇ જાય છે જેમાં રામલીલાનું મંચન થાય છે. આ મંચનમાં દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પધારે છે. તામિલનાડુમાં આસો સૂદ અમાસે દિવાળીનો ઉત્સવ ઉજવાય છે પરંતુ તે પહેલા કાળી ચોદશે એટલે કે નર્ક ચર્તુદશીનું દિવાળી કરતા પણ વધુ મહત્વ છે. દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં દિવાળી ઉત્સવ પાંચ નથી બે દિવસ ઉજવાય છે.
ગુજરાતમાં છોટા ઉદેપૂરના આદિવાસી વિસ્તારોમાં અમાસની દિવાળી કરતા પૂનમની દેવ દિવાળી વધારે ભવ્ય રીતે ઉજવાય છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગાયોને દોડાવીને તેની ધૂળ રજ માથે ચડાવીને નવા વર્ષના શુકન લેવાની પણ પ્રથા જોવા મળે છે.આ ઉપરાંત ઉંટદોડ,ઘોડાદોડ પણ યોજાય છે. મીઠુએ શુકનવંતુ ગણાતું હોવાથી દિવાળી પછીના બેસતા વર્ષના દિવસે શુકન પુરતું મીઠું ખરીદવાની પણ પ્રથા જોવા મળે છે.
ઉત્તરાખંડના જોનસાર અને બાવર વિસ્તારના ૨૦૦ થી વધુ અંતરિયાળ ગામોમાં દિવાળી ૧ મહિનો મોડી ઉજવવાની પ્રથા છે તેને ઘરડી દિવાળી કહેવામાં આવે છે. કારણ કે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા તેની જાણ તેમને મોડેથી થઇ હતી.જો કે આનાથી ઉલ્ટું છતિસગઢના બસ્તર જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં કેલેન્ડર કરતા પાંચ દિવસ વહેલી ઉજવવામાં આવે છે.
દિવાળીમાં માટીના કોડિયામાં દિવો કરવાથી બેકટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ થતું હોવાની માન્યતા છે.