ભારતના આ વિસ્તારમાં દિવાળીને હજુ છે એક મહિનાની વાર, મનાવે છે બુઢી દિવાળી, કારણ જાણીને ચોંકી જશો.
દેશમાં દિવાળી હોય ત્યારે આ વિસ્તારમાં કોઇ જ તહેવાર હોતો નથી
રામ અયોધ્યા પાછા ફર્યા તે વાતની લોકોને એક મહિના પછી ખબર પડી હતી
દહેરાદૂન,21 ઓકટોબર,2022,શુક્રવાર
હિમાચલપ્રદેશના જોનસાર અને બાબર ક્ષેત્રના કેટલાક આદિવાસી ગામોમાં દિવાળીનો તહેવાર એક મહિના પછી કારતક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. જેને સ્થાનિક લોકો બુઢી એટલે કે ઘરડી દિવાળી કહે છે. નવાઇની વાત તો એ છે કે આખો દેશ દિવાળીનો તહેવાર ઉજવતો હોય ત્યારે આ વિસ્તારમાં કોઇ જ તહેવાર હોતો નથી.
આ વિસ્તારના મોટા ભાગના લોકોનું માનવું છે કે જયારે રામ જયારે લંકાથી પાછા ફર્યા તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવાઓ પ્રગટાવીને પહેલીવાર દિવાળી મનાવી હતી.રામ રાવણને મારીને તથા ચૌદ વર્ષનો વનવાસ પુરો કરીને અયોધ્યા આવ્યા તે વાતની અહીંના લોકોને એક મહિનો મોડી ખબર પડી હતી. આથી દિવાળી એક મહિના પછી ઉજવવામાં આવે છે.દાયકાઓ પછી સમય અને સંજોગો બદલાયા તેમ છતાં આ વિસ્તારના ૨૦૦ થી પણ વધુ ગામોમાં બુઢ્ દિવાળી ઉજવાય છે.
જો કે આ વિશિષ્ટ પ્રકારની દિવાળીમાં ફટાકડા ફોડવાના સ્થાને લોકો અગ્નિ પ્રગટાવીને તેના ઝાંખા અજવાળામાં ઢોલ નગારા સાથે નાચગાન કરે છે. જોનસાર ઉપરાંત કાંડોઇ,બોદૂર અને કાંડોઇ ભરમ વિસ્તારના ૫૦ થી વધુ ગામો પણ બુઢી દિવાળી ઉજવવામાં રસ લે છે. બહારની દુનિયાના સંપર્કમાં આવેલા લોકો નવી દિવાળી ઉજવવા માટે આ વિસ્તારના ગામોને સમજાવે છે.
તેમ છતાં પરંપરા બદલાતી ન હોવાથી બહાર નોકરી તથા વ્યવસાય કરતા લોકોને મુશ્કેલી ઉભી થાય છે. કારણ કે નોકરી તથા વ્યવસાય કરતા લોકો ખરેખરી દિવાળીના ટાઇમે ઘરે આવી શકતા નથી.જયારે આ વિસ્તારના લોકો દિવાળી ઉજવતા હોય ત્યારે નોકરી કરનારાઓને રજા પણ મળતી નથી.આથી હણોલ,રાયગી,મેદ્રથ,હેડસુ સહિતના કેટલાક ગામોમાં આસો સુદ અમાસે ના કેલેન્ડર મુજબ દિવાળી ઉજવતા થયા છે તેમ છતાં મોટો વર્ગ આજે પણ કારતક માસની અમાસે દિવાળી ઉજવે છે.