11 દિવસ બાદ કેનાલમાંથી મળી આવ્યો દિવ્યા પાહુજાનો મૃતદેહ, હરિયાણા પોલીસને મળી સફળતા
મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસમાં ધરપકડ કરાયેલા હોટલ માલિક અભિજીતના રિમાન્ડની મુદત કોર્ટે છ દિવસ વધારી દીધી છે
Divya Pahuja Murder Case: હરિયાણાના ગુરુગ્રામમાં મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ ટોહાના કેનાલમાંથી મળી આવ્યો છે. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે તેની તસવીરો દિવ્યાના પરિવારજનોને મોકલી હતી, જેને જોઈને તેઓએ મૃતદેહની ઓળખ કરી હતી.
હરિયાણાની ટોહાના કેનાલમાંથી મૃતદેહ મળ્યો
બીજી જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલના રૂમ નંબર 111માં દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. આ કેસમાં પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા બલરાજ નામના આરોપીની પૂછપરછ કર્યા બાદ હરિયાણા પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. બલરાજે પોતે જ પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યાની લાશને હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી દીધી હતી. દિવ્યા પાહુજા હત્યા કેસના મુખ્ય આરોપી અભિજીત સિંહે મૃતદેહને સગેવગે કરવાનું કામ બલરાજ ગિલને સોંપ્યું હતું.
બલરાજના કહેવા પર દિવ્યાનો મૃતદેહ મળ્યો
બલરાજ દેશ છોડીને બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની અને રવિ બંગાની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બલરાજ ગીલે દિવ્યાના મૃતદેહને તેના માલિક અભિજીતની BMW કારની ડેક્કી નાખી, સગેવગે કરવા નીકળ્યો હતો. આ કામમાં રવિ બંગા તેનો સાથ આપ્યો હતો.