બિલોનો તાત્કાલિક નિકાલ કરો પંજાબના રાજ્યપાલે બિલો અટકાવતા સુપ્રીમની ચીમકી
- આગ સાથે રમવાનું બંધ કરો લોકતંત્ર જોખમમાં પડી જશે !
- પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો તાત્કાલિક મંજૂર કરવા સુપ્રીમનો આદેશ
- બજેટ સત્ર હજુ સુધી ખતમ નહીં કરવા બદલ સુપ્રીમે પંજાબ સરકારની પણ ટીકા કરી કહ્યું ગૃહના ત્રણ સત્ર યોજાવા જોઈએ
- વિધાનસભા સત્રને ગેરબંધારણીય ગણાવવાની રાજ્યપાલની શક્તિ સામે પણ સુપ્રીમે સવાલ ઉઠાવ્યો
- તમિલનાડુના રાજ્યપાલ રવિએ ૧૨ બિલોને મંજૂરી નહીં આપી હોવાનો રાજ્ય સરકારનો દાવો, સુપ્રીમે કેન્દ્રને નોટિસ પાઠવી
નવી દિલ્હી : પંજાબ અને તમિલનાડુમાં વિધાનસભામાં પસાર કરાયેલા બિલ રાજ્યપાલો દ્વારા અટકાવી રાખવા મુદ્દે શુક્રવારે સુપ્રીમ કોર્ટે બંને રાજ્યના રાજ્યપાલોની ઝાટકણી કાઢી હતી અને તેમને તાત્કાલિક તેમણે દબાવી રાખેલા બિલને મંજૂરી આપવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પંજાબ અને તમિલનાડુના રાજ્યપાલોને કહ્યું કે તેઓ આગ સાથે રમી રહ્યા છે. આ રીતે તો દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા જ જોખમમાં પડી જશે. તમે અનિશ્ચિત સમય સુધી કોઈ બિલ અટકાવી શકો નહીં. બીજીબાજુ બજેટ સત્ર પૂરું નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની પણ ટીકા કરી હતી અને કહ્યું કે, વિધાનસભાના ત્રણ સત્રો ફરજિયાત થવા જોઈએ.
પંજાબ સરકારે વિધાનસભામાં પસાર કરેલા કેટલાક બિલોને રાજયપાલ બનવારીલાલ પુરોહિતે મંજૂરી નહીં આપતા અને દબાવીને બેસી રહેતાં રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે વિવાદ વકર્યો હતો. આ સંદર્ભમાં પંજાબ સરકારે બિલો મંજૂર કરવા રાજ્યપાલને આદેશ આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચે પડેલી મડાગાંઠને ગંભીર ગણાવી હતી અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને મંજૂર કરવા આદેશ આપ્યો હતો. બેન્ચે પંજાબ વિધાનસભાના સત્રને ગેરબંધારણીય ગણાવવાની રાજ્યપાલની શક્તિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે, આપણો દેશ સ્થાપિત પરંપરા અને પ્રણાલીથી ચાલે છે અને તેઓએ તેને અનુસરવંર જોઈએ. બેન્ચે રાજ્યપાલને ખખડાવતા કહ્યું હતું કે, વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને તમે 'અયોગ્ય' કહી અસ્વિકાર કરી શકો નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે અંદાજપત્ર સત્રને વિધિવત્ રીતે નિલંબિત નહીં કરવા બદલ પંજાબ સરકારની પણ ટીકા કરી હતી. સુપ્રીમે કહ્યું કે, પંજાબ સરકારે અંદાજપત્ર સત્રને શિયાળુ સત્ર સાથે ભેળવી દેવાની કરેલી ગતિવિધિ અયોગ્ય છે. રાજય સરકાર વતી રજૂઆત કરનારા સીનીયર વકીલ અભિષેક મનુ સિંઘવીને સુપ્રીમે કહ્યું, 'તમારી સરકાર જે કંઈ કરી રહી છે. તે બંધારણના ભંગ સમાન છે. અમે બરોબર જાણીએ છીએ કે અંદાજપત્ર-સત્ર દીવાળી વગેરેની રજાઓને લીધે સ્થગિત રહે. પરંતુ તે અચોક્કસ મુદત સુધી સ્થગિત રહી શકે નહીં. ચોમાસું સત્રમાં શરૂ થયેલું અંદાજપત્ર સત્ર હવે તો શિયાળુ સત્ર સાથે જોડાઈ જશે? જો લોકશાહી ચલાવવી હોય તો મુખ્યમંત્રી તેમજ રાજયપાલ બંનેએ સાથે રહી ચલાવવી પડે. તમે ગૃહના નિયમોની અવગણના કરી શકો નહીં. વિધાનસભા ગૃહમાં ત્રણ સત્ર યોજવા જોઈએ.' બેન્ચે મનુ સિંઘવીને સવાલ કર્યો હતો કે, અમને કહો કે અંદાજપત્ર સત્ર જે હજુ સુધી મુલતવી રખાયું નથી તે ક્યારે મુલતવી રખાશે? સિંઘવીએ બેન્ચને કહ્યું કે, હું ચોક્કસ તારીખ જણાવી શકું એમ નથી, પરંતુ શિયાળુ સત્ર નજીકના ભવિષ્યમાં યોજવામાં આવશે.'
દરમિયાન બેન્ચે તમિલનાડુ સરકારની અરજીના સંદર્ભમાં કેન્દ્રનો જવાબ માગ્યો હતો અને આ કેસ ૨૦મી નવેમ્બર સુધી મુલતવી રાખ્યો હતો. તમિલનાડુ સરકારે પણ રાજ્યપાલ આર. એન. રવિ વિધાનસભા દ્વારા પસાર કરેલા બિલોને મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. તમિલનાડુ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, રાજ્યપાલ આરએન રવિએ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ૧૨ બિલોને મંજૂરી આપી નથી.