જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથે સંપર્ક રાખનાર ડૉક્ટર અને કોન્સ્ટેબલ સહિત 4ની સરકારી નોકરીમાંથી હકાલપટ્ટી
- આ સર્વે ઉપર કાનૂની કાર્યવાહી થશે
- આ કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લાં 3 વર્ષોમાં સંવિધાનની કલમ ૩૧૧(૨)(સી)નો ઉપયોગ કરી ૫૦થી વધુ સરકારી નોકરોને આપવામાં આવેલા પાણીચાં
શ્રીનગર : ત્રાસવાદીઓ સાથે સંપર્ક રાખનાર એક ડૉક્ટર અને એક કોન્સ્ટેબલ સહિત કુલ ૪ લોકોની સરકારી નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે સંવિધાનની કલમ ૩૧૧ના ક્લોઝ(૨) સબ-ક્લોઝ (સી) નીચે આ પગલું લીધું છે. જે અનુચ્છેદ રાષ્ટ્રની સલામતિના હેતુસર સરકારને યથાયોગ્ય કાર્યવાહી કરવાની સત્તા આપે છે.
નોકરીમાંથી ફારેગ કરાયેલા કર્મચારીઓમાં કુલગામના હાયર એજ્યુકેશનના લેબ-બેરર અબ્દુલ સાલેમ રાઠેર, જમ્મુ અને કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલ કુપવારાનો અબ્દુલ મજીદ ભટ, શ્રીનગર સ્થિત, એસએમએચએસ હોસ્પિટલના ડૉ. નિસાર-ઉલ-હસન અને કુપવારાના શિક્ષક ફારૂક અબ્દુલ મીરનો સમાવેશ થાય છે.
વધુમાં જાણવા મળ્યું છે કે, છેલ્લાં ૩ વર્ષમાં આ કેન્દ્ર શાસિત પ્રદેશનાં વહીવટી તંત્રે સંવિધાનની કલમ ૩૧૧(૨)(સી) નીચે ૫૦થી વધુ સરકારી નોકરોને પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનોને સહાય માટે ચીજવસ્તુઓ મોકલવા તથા અલગતાવાદી અને ત્રાસવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા અને ત્રાસવાદીઓ માટે ભંડોળો ઉભા કરવાની કાર્યવાહી માટે સરકારી નોકરીમાંથી ફારેગ કર્યા હતા, તેટલું જ નહીં પરંતુ તેમની ઉપર કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી હતી, તેમ પણ સત્તાવાર સાધનો જણાવે છે.