UP: બીમાર ભાઈને કિડની આપતા નારાજ પતિએ લગ્નના 20 વર્ષ બાદ મહિલાને વ્હોટ્સએપ પર આપ્યા ટ્રિપલ તલાક
Image Source: Twitter
લખનૌ, તા. 21 ડિસેમ્બર 2023 ગુરૂવાર
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાથી ટ્રિપલ તલાકનો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ત્યાં એક પતિએ લગ્નના 20 વર્ષ બાદ પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા. જોકે, ભાઈનો જીવ બચાવવા માટે મહિલાએ પોતાની કિડની દાન કરી હતી. આ વાતથી નારાજ પતિએ સાઉદીથી વ્હોટ્સએપ દ્વારા ટ્રિપલ તલાકનો મેસેજ મોકલી દીધો. જે બાદ હવે પીડિત પત્નીએ પોલીસને ફરિયાદ કરીને ન્યાયની વિનંતી કરી છે.
સમગ્ર મામલો જિલ્લાના ધાનેપુર વિસ્તારનો છે જ્યાં રહેતી તરન્નુમના નિકાહ 20 વર્ષ પહેલા જૈતપુરના રહેવાસી અબ્દુલ રશીદ ઉર્ફે મોહમ્મદ રાશિદ સાથે થયા હતા પરંતુ લગ્ન બાદ સંતાનનો જન્મ થયો નહીં એટલે પત્ની તરન્નુમની સંમતિથી રાશિદે બીજા નિકાહ પણ કરી દીધા. જે બાદ તે નોકરી માટે સાઉદી જતો રહ્યો. આ દરમિયાન તરન્નુમના ભાઈ શાકિરની તબિયત બગડી. ડોક્ટરોએ જણાવ્યુ કે તેની બંને કિડની ખરાબ છે. જીવ બચાવવા માટે કિડનીની જરૂર છે. જેથી તરન્નુમે પોતાની એક કિડની આપીને ભાઈનો જીવ બચાવ્યો.
એસપીના આદેશ પર કેસ નોંધાયો
તરન્નુમની ભૂલ માત્ર એટલી જ હતી કે તેણે આ અંગે પોતાના પતિની પરવાનગી લીધી નહોતી જ્યારે આ વાતની જાણકારી રાશિદને થઈ તો તે ગુસ્સે થયો અને ફોન પર ટ્રિપલ તલાક આપી દીધા. પોતાના પતિના વલણથી પરેશાન તરન્નુમે એસપીને મળીને ન્યાયની વિનંતી કરી. એસપીના આદેશ પર પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. તરન્નુમે જણાવ્યુ કે પહેલા તો પોલીસે કેસ નોંધ્યો નહીં અને પતિ પાછો આવે ત્યારે સમાધાનની વાત કરી પરંતુ એસપીના આદેશ બાદ કેસ નોંધ્યો છે. તરન્નુમનો આરોપ છે કે પતિએ તેને પોલીસને ફરિયાદ કરી તો હત્યાની ધમકી પણ આપી હતી.
કિડનીના બદલે 40 લાખ રૂપિયા માંગ્યા
તરન્નુમે જણાવ્યુ કે ભાઈને કિડની આપવાથી તેનો પતિ ખૂબ નારાજ થયો. તેણે મોબાઈલથી મને કિડનીના બદલે 40 લાખ રૂપિયાની માંગણી કરી. મે ના પાડી તો તેણે વ્હોટ્સએપથી ટ્રિપલ તલાકનો મેસેજ મોકલી દીધો. પીડિતાએ ધાનેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને હવે તેને ન્યાય જોઈએ. હાલ તરન્નુમ પોતાના ભાઈ સાથે પિયરમાં રહે છે.