Get The App

ગુજરાત જ નહીં યુપીમાં ક્ષત્રિયોની નારાજગી બન્યો મોટો મુદ્દો, હવે માયાવતી અને અખિલેશ આવ્યા મેદાનમાં

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
ગુજરાત જ નહીં યુપીમાં ક્ષત્રિયોની નારાજગી બન્યો મોટો મુદ્દો, હવે માયાવતી અને અખિલેશ આવ્યા મેદાનમાં 1 - image


Lok Sabha Elections 2024: ભારતમાં 19મી એપ્રિલે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, પરંતુ રાજ્યની સૌથી ચર્ચિત રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. આ વિવાદ સતત વકરી રહ્યો છે અને તેની અસર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) જેવા વિરોધ પક્ષો આ મુદ્દાને લઈને મેદાને ઉતર્યા છે. 

ક્ષત્રિય સમાજ વિશે માયાવતીએ શું કહ્યું?

બસપાના વડાં માયાવતીએ રવિવારે (21મી એપ્રિલ) ગાઝિયાબાદમાં ચૂંટણી રેલીમાં ક્ષત્રિયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, 'ભાજપ ક્ષત્રિયોની અવગણના કરી રહી છે. અમારા પક્ષે તમામ સમાજના પ્રતિનિધિઓને ટિકિટ આપી છે. ગાઝિયાબાદમાં બસપાના ઉમેદવાર નંદ કિશોર પુંડિર છે, જે ઠાકુર સમાજમાંથી આવે છે. બાગપતથી બસપાએ ગુર્જર સમાજમાંથી આવતા પ્રવીણ બંસલને મેદાનમાં ઉતાર્યા છે, તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. આ વખતે ભાજપે સૌથી મોટા રાજપૂત નેતા અને ગાઝિયાબાદનું પ્રતિનિધિત્વ કરતા પૂર્વ જનરલ વી.કે. સિંહને ટિકિટ આપી નથી.'

ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કરતા માયાવતીએ કહ્યું કે. 'અમે સહારનપુર-મેરઠ બેઠકથી ક્ષત્રિય સમાજના આગેવાનોને ટિકિટ આપી છે. ગાઝિયાબાદમાં ઉચ્ચ જાતિના ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં રહે છે. પરંતુ આ વખતે અહીં ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવી છે. ભાજપે ક્ષત્રિય સમાજને ટિકિટ ન આપીને તેમની અવગણના કરી છે, જેના કારણે ક્ષત્રિય સમાજ નારાજ છે. પંચાયતો યોજાઈ અને પંચાયતોમાં મને માહિતી મળી કે જે પક્ષે સમાજને ચૂંટણીમાં ભાગીદારી આપી છે તે પક્ષને જ મત જશે તે નક્કી છે.' 

અખિલેશ યાદવે ગૌતમ બુદ્ધ નગરમાં જાહેર સભા સંબોધી

બીજી તરફ, સપાના વડા અખિલેશ યાદવે 19મી એપ્રિલે ગૌતમ બુદ્ધ નગરમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 'હું માથા પર પાઘડી જોઈ રહ્યો છું. જેઓ પરંપરાગત રીતે અન્ય પક્ષને મતદાન કરતા આવ્યા છે, તેઓ આ વખતે આદર અને પાઘડી સાથે સાયકલને સમર્થન આપવા જઈ રહ્યા છે તે બદલ હું તેમની રાજકીય જાગૃતિ માટે આભારી છું.

ગૌતમ બુદ્ધ નગરમાં સાડા ચાર લાખ ક્ષત્રિયો

સપાએ ગૌતમ બુદ્ધ નગરથી ગુર્જર ઉમેદવાર ડૉ.મહેન્દ્ર સિંહ નાગરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર, વર્તમાન સાંસદ અને પૂર્વ મંત્રી મહેશ શર્મા બ્રાહ્મણ છે. બસપા તરફથી રાજેન્દ્રસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી મેદાનમાં છે. આ મતવિસ્તારમાં લગભગ 4.5 લાખ ક્ષત્રિય મતો છે અને બસપા તેમની સાથે જોડાવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાત જ નહીં યુપીમાં ક્ષત્રિયોની નારાજગી બન્યો મોટો મુદ્દો, હવે માયાવતી અને અખિલેશ આવ્યા મેદાનમાં 2 - image


Google NewsGoogle News