'નિરાશ' થયો છું પરંતુ 'હતાશ' નથી થયો : નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહ
- જ.કા.ના પૂર્વ રાજાના પુત્ર કરણસિંહે ચૂકાદો આવકાર્યો
- ચુકાદો દુ:ખદ અને કમનસીબ છે : ગુલામ નબી આઝાદ : રાજ્યમાં તુર્ત જ ચૂંટણી યોજાવી જોઈએ તેને 'રાજ્ય'નો દરજ્જો આપવો જોઈએ : કે. ચિદમ્બરમ્
નવી દિલ્હી, શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર સંબંધે સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ને દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટે યોગ્ય ઠરાવતા આપેલા શકવર્તી ચુકાદા પછી વિરોધ પક્ષોના અનેકવિધ પ્રત્યાઘાતો આવી રહ્યા છે. આ પૈકી જમ્મુ અને કાશ્મીરની 'નેશનલ કોન્ફરન્સ'ના નેતા ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, 'આ ચુકાદાથી હું નિરાશ થયો છું, પરંતુ 'હતાશ' થયો નથી.' આ સાથે ભાજપ ઉપર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે 'જમ્મુ અને કાશ્મીર સુધી પહોંચતાં ભાજપને ૩ દાયકા લાગ્યા છે. પરંતુ અમે તેની સામે લાંબાગાળાનું યુદ્ધ આપવા તૈયાર જ છીએ.' તેમ પણ તેમણે તેમના 'x' હેન્ડલ પર જણાવ્યું હતું.
દરમિયાન કેટલાયે વિપક્ષોએ આ ચુકાદા પછી પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
વરિષ્ઠ રાજકારણી ગુલામ નબી આઝાદે આ ચુકાદાને દુ:ખદ અને કમનસીબ કહેતાં જણાવ્યું હતું કે આથી જમ્મુ અને કાશ્મીરના લોકો ખુશ નથી. પરંતુ આખરે તો આ ચુકાદો સ્વીકારવો જ રહ્યો.
જ્યારે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મહારાજા હરિસિંહના પુત્ર કરણસિંહે આ ચુકાદાને આવકાર્યો હતો. કરણસિંહ કોંગ્રેસના પણ એક અગ્રીમ નેતા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે 'ચુકાદો આવી જ ગયો છે, તેથી તે સામે ખોટો દેકારો કરવાનો અર્થ નથી.'
તેઓએ વધુમાં કહ્યું કે જેઓ આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ નકારાત્મકતાથી ભરેલા હોય તેવું લાગે છે.
કોંગ્રેસના સાંસદ અને પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કે. ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને રાજ્યમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાના આદેશનો ઉલ્લેખ કરતાં કે. ચિદમ્બરમે કહ્યું હતું કે મને લાગે છે કે ચૂંટણી યોજવી જ જોઈએ, જનતાને તેના પ્રતિનિધિ ચૂંટવાના અધિકારથી વંચિત રાખી ન શકાય. તેટલું જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીરને વહેલામાં વહેલી તકે રાજ્યનો દરજ્જો આપવો જોઈએ.
તે સર્વવિદિત છે કે અત્યારે જમ્મુ અને કાશ્મીર તથા લડાખ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો છે.