દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધીને રૂ. 19 લાખ કરોડ
- 2013-14માં નેટ ડાયરેક્ટ કલેકશન રૂ. 6.38 લાખ કરોડ હતું
- 26 ઓક્ટોબર, 2023 સુધી 7.41 કરોડ રિટર્ન દાખલ પ્રથમ વખત રિટર્ન દાખલ કરનારાઓની સંખ્યા 53 લાખ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્ત્વવાળી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળમાં વ્યકિતગત આવક અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધીને ૧૯ લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ કલેકશન ૬.૩૮ લાખ કરોડ રૂપિયા હતું. જે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬.૬૧ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં નેટ ડાયરેક્ટ કલેક્શન વ્યકિતગત ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં અત્યાર સુધીમાં ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ ઝડપે ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષમાં લગભગ ૧૯ લાખ કરોડ રૂપિયા એકત્ર થવાની સંભાવના છે.
આ રકમ ૨૦૨૩-૨૪ના બજેટમાં દર્શાવવામાં આવેલ ૧૮.૨૩ લાખ કરોડ રૂપિયાના અંદાજથી વધારે હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર ઓછા દરો અને ઓછી છૂટની સાથે ટેક્સ વ્યવસ્થાને સરળ બનાવવાના પ્રયત્નો કરી રહી છે.
૨૦૧૯માં સરકારે એક્ઝમ્પશનનો ત્યાગ કરનાર કોર્પોરેટ્સ માટે ટેક્સનો ઓછો દર રજૂ કર્યો હતોે. આ પ્રકારની યોજના એપ્રિલ, ૨૦૨૦માં સામાન્ય લોકો માટે પણ રજૂ કરવામાં આવી હતી.
વ્યકિતગત કરદાતાઓએ ફાઇલ કરેલા આઇટીઆર (ઇન્કમ ટેક્સ રિટર્ન)ની સંખ્યા ૩.૩૬ કરોડ હતી. જે ૨૦૨૧-૨૨માં વધીને ૬.૩૭ કરોડ થઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી ૭.૪૧ કરોડ રિટર્ન દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ વખત રિટર્ન દાખલ કરનારાઓની સંખ્યા ૫૩ લાખ છે.