'ડાયનાસોર પાછા આવી શકે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી સત્તામાં ન આવી શકે': હરિયાણામાં હાર બાદ રવનીત સિંહ બિટ્ટુનો ટોણો
Ravneet Singh Bittu On Congres: હરિયાણા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. 90માંથી 48 બેઠકો સાથે પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે. હવે સૈનીના હાથમાં ફરી એક વખત હરિયાણાની કમાન હશે. એક્ઝિટ પોલના અંદાજોની વિપરીત કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કર્યું છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારમાં રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, બાકીની પાર્ટીઓ ખૂબ જ આગળ નીકળી ચૂકી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી આજે પણ પરિવારમાંથી બહાર નથી નીકળી શકી. તેમણે કોંગ્રેસ પાર્ટીને ટોણો મારતા કહ્યું કે, 'ડાયનાસોર પાછા આવી શકે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી સત્તામાં ક્યારેય પાછી ન આવી શકે.'
કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
તમને જણાવી દઈએ કે પૂર્વ કોંગ્રેસી નેતા રવનીત સિંહ બિટ્ટુ ગાંધી પરિવાર અને ખાસ કરીને રાહુલ ગાંધીના જોરદાર ટીકાકાર રહ્યા છે. તેઓ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. લોકસભા ચૂંટણીમાં ભલે તેમને સફળતા ન મળી, પરંતુ પીએમ મોદીએ તેમને કેબિનેટમાં સ્થાન આપીને તેમનું કદ વધારી દીધુ છે.
રાહુલ ગાંધીને 'આતંકવાદી' ગણાવ્યા હતા
આ પહેલા કોંગ્રેસ પાર્ટીને સલાહ આપતા રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કરવો હોય તો રાહુલ ગાંધીનો વિરોધ કરવો જોઈએ. તેમણે રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં આપવામાં આવેલા નિવેદનો પર પણ પ્રહાર કર્યા હતા. હકીકતમાં રાહુલ ગાંધીએ અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય અંગે નિવેદન આપ્યું હતું, જે બદલ રવનીત બિટ્ટુએ તેમને 'આતંકવાદી' ગણાવ્યા હતા.