'તમે દાદાના નામે કેમ મતો માંગતા નથી?', મતદાન વચ્ચે ભાજપના ઉમેદવારે રાહુલ ગાંધીને કર્યો સવાલ
Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની 14 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે લોકસભા 2024ની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી પર નિશાન સાધતા સવાલ કર્યો કે 'રાહુલ ગાંધી તેમના દાદાના નામ પર વોટ કેમ નથી માગતા.'
દિનેશ પ્રતાપે રાહુલ ગાંધી પર નિશાન તાક્યું
લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. ત્યારે રાયબરેલી બેઠક પરના ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપ ઉમેદવારે કહ્યું કે 'તમે (રાહુલ ગાંધી) તમારા દાદા ફિરોઝ ખાનના નામ પર વોટ કેમ નથી માગતા?, રાહુલ ગાંધીએ હજુ સુધી તેમના દાદાનું નામ કેમ નથી લીધું?'
રાયબરેલીમાં ભાજપ જીતશે : ભાજપ ઉમેદવાર
આ દરમિયાન દિનેશ પ્રતાપે દાવો કર્યો હતો કે રાયબરેલીમાં ભાજપ જીતશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અમેઠીમાં તેઓ સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. બંને બેઠકો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશની 14 બેઠકો જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, કૈસરગંજ અને ગોંડાનો સમાવેશ થાય છે.