3 વખતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ લોકસભા ચૂંટણી ટાણે ઠેંગો બતાવ્યો, કોંગ્રેસને જોરદાર ઝટકો
Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભા ચૂંટણી 2024નું રણશિંગું ફૂંકાઈ ગયું છે. રાજકીય પક્ષોમાં જોડ-તોડની રાજનીતિ ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા દિનેશ અગ્રવાલે કોંગ્રેસને ઠેગો બતાવી દેતાં ચૂંટણી ટાણે પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધી છે. એવું કહેવાય છે કે હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
લાંબા સમયથી નારાજ હોવાનો ખુલાસો
ઉત્તરાખંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી દિનેશ અગ્રવાલ લાંબા સમયથી સંગઠનથી નારાજ હતા. શનિવારે તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે માન્યા નહોતા. ત્યારબાદ દિનેશ અગ્રવાલે મોડી રાત્રે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ છોડતા પહેલા દિનેશ અગ્રવાલે ભાજપમાં જોડાવાની અટકળો પર કહ્યું હતું કે જ્યારે સૂર્ય નીકળશે ત્યારે વિચારીશું.
દિનેશ અગ્રવાલનું રાજીનામું સામે આવ્યું
દિનેશ અગ્રવાલનું રાજીનામું સામે આવ્યું છે. તેમણે ઉત્તરાખંડ કોંગ્રેસ સમિતિને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. દિનેશ અગ્રવાલે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે સર, હું તમને જણાવવા માંગુ છું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને નિઃસંકોચ સ્વીકારશો.
કોંગ્રેસને ચૂંટણીમાં મોટું નુકસાન થવાની ભીતિ
દિનેશ અગ્રવાલ ધરમપુરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા. દિનેશ અગ્રવાલે પાર્ટી છોડવાના કારણે હરિદ્વાર લોકસભા સીટ પર કોંગ્રેસને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. ધરમપુર, જે હરિદ્વાર લોકસભા સીટ હેઠળ આવે છે, સૌથી વધુ મતદારો ધરાવતો વિધાનસભા મત વિસ્તાર છે.