VIDEO: ભાજપ સાંસદ મતદાન કેન્દ્રમાં ગયા અને મેન ગેટ બંધ કર્યાનો આરોપ, બહાર વિપક્ષનો હોબાળો
Lok Sabha Elections 2024 | દિલ્હીમાં મતદાનના ચાર દિવસ બાદ કોંગ્રેસ પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે નોર્થ ઈસ્ટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનોજ તિવારી પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
દિગ્વિજય સિંહે વીડિયો શેર કર્યો
દિગ્વિજય સિંહે એક વીડિયો પણ જારી કર્યો છે જેમાં લોકો એક બૂથની બહાર હોબાળો મચાવતા દેખાય છે અને તેઓ આરોપ મૂકી રહ્યા છે કે મનોજ તિવારી બૂથની અંદર બોગસ વોટિંગ કરાવી રહ્યા હતા. વીડિયોમાં દેખાય છે કે ગેટ બંધ હતો ત્યારે મનોજ તિવારી અંદર જ હતા અને જેવા જ તે બહાર આવે છે ત્યારે લોકો નારેબાજી કરવાની શરૂઆત કરી દે છે અને કહે છે કે આ રીતે 400 પાર થશે...?
દિગ્વિજય સિંહે શું કહ્યું?
દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે આ વીડિયો નોર્થ ઈસ્ટ દિલ્હીનો છે જ્યાં મનોજ તિવારી પોલીસની સુરક્ષામાં તેમની ટીમ સાથે પોલિંગ બૂથમાં હતા. આ સમયે મતદાન ચાલુ હતું. એ ચોક્કસ છે કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે. જ્યારે સંઘના લોકો લોકતંત્રની હત્યા કરી રહ્યા હતા તો મેઈન ગેટ બંધ હતું. તેને ધ્યાનમાં લઇને શું ચૂંટણી પંચ નિરીક્ષકો અને બૂથના અધિકારીઓ પાસેથી રિપોર્ટ માગશે? મતદાન વચ્ચે ગેટ બંધ કરવાની જરૂર કેમ પડી?
મનોજ તિવારીએ મૌન સાધ્યું
જ્યારે આ મામલે સાંસદ મનોજ તિવારીનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નહોતી. ઉલ્લેખનીય છે કે અનેક જગ્યાએ બોગસ વોટિંગના આરોપો લાગતા રહ્યા છે. જેના બાદથી રાજકારણ ગરમાયું છે.