Get The App

ડિજિટલ અરેસ્ટનો દેશનો સૌથી મોટો ફ્રોડ, ઉત્તર પ્રદેશમાં સાયબર ઠગોએ ડૉક્ટર પાસેથી લૂંટ્યા 2.81 કરોડ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
ડિજિટલ અરેસ્ટનો દેશનો સૌથી મોટો ફ્રોડ, ઉત્તર પ્રદેશમાં સાયબર ઠગોએ ડૉક્ટર પાસેથી લૂંટ્યા 2.81 કરોડ 1 - image


Image: Freepik

Digital Arrest Fraud Case: ઉત્તર પ્રદેશના પીજીઆઇ લખનઉ હૉસ્પિટલના એક ડૉક્ટર ભારતમાં ડિજિટલ અરેસ્ટ કે સાયબર અરેસ્ટના સૌથી મોટા ફ્રોડનો શિકાર બની ગયા છે. ડૉક્ટર રુચિકા ટંડનને સાયબર ઠગોએ 7 દિવસ સુધી જાળમાં ફસાવીને ધીમે-ધીમે કરીને 2.81 કરોડ રૂપિયા ઠગી લીધાં. ડૉક્ટર ટંડને ઘણા દિવસ બાદ ઇન્ટરનેટ પર આ પ્રકારના ફ્રોડના મામલા જોયા ત્યારે સાયબર ક્રિમિનલ્સના ફેલાવેલા ડરથી બહાર નીકળી શક્યા અને પોલીસની પાસે પહોંચીને ફરિયાદ નોંધાવી છે. 

દેશમાં અત્યારે ડરનો માહોલ ઊભો કરી રહેલા મની લોન્ડ્રિંગ કેસનો ડર બતાવીને ટંડનને ડિજિટલ અરેસ્ટ ગણાવ્યા અને ઓનલાઇન કોર્ટ કેસ પણ ચાલ્યો. આ અઠવાડિયે એક રિપોર્ટ આવ્યો જેમાં જણાવાયું છે કે છેલ્લા ચાર મહિનામાં દેશમાં ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને સાયબર ઠગોએ લોકોને 120 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.

ડૉક્ટર ટંડને જણાવ્યું કે 'મને સવારે 8 વાગે એક ફોન આવ્યો અને જણાવ્યું કે મારા નંબર પર સાયબર સેલમાં લોકોને હેરાન કરતાં મેસેજના ઘણા કેસ નોંધાયા છે પછી કોલ ટ્રાન્સફર કરી દેવાયો અને જણાવ્યું કે જેમને કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, તે આઇપીએસ અધિકારી છે. ત્યારબાદ જણાવાયું કે મારા બૅૅન્ક ખાતા પર મની લોન્ડ્રિંગનો કેસ છે અને મારી ધરપકડ કરવાનો આદેશ મુંબઈથી મળ્યો છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ છે તેથી આ વાતને ગુપ્ત રાખવાની છે, કોઈને જણાવવાની નથી. મારે હવે ડિજિટલ કસ્ટડીમાં રહેવું પડશે. તે બાદ આગામી છ-સાત દિવસ સુધી ઓનલાઇન કોર્ટમાં નકલી કેસ ચલાવ્યો. એક નવો ફોન ખરીદાયો અને તેની પર વીડિયો કોલની એપ ડાઉનલોડ કરાવી. વીડિયો પર તે મારી ઉપર નજર રાખતા હતા. ઠગોએ અલગ-અલગ બૅૅન્ક ખાતાના નંબર આપ્યા અને કહ્યું કે આ ખાતામાં રૂપિયા મોકલો. તપાસમાં તમે નિર્દોષ નીકળ્યા તો તમામ રૂપિયા પાછા આવી જશે.’

આ અંગે વધુ વાત કરતા ડૉ. ટંડને કહ્યું કે, ‘આ દરમિયાન સાત-આઠ દિવસ બાદ મેં જાણકારી મેળવી અને પછી અમુક ન્યૂઝ રિપોર્ટ જોયા તો મને સમજાયું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. મને એવું કહેવામાં આવ્યું હતું કે મને ભૂલથી કોઈ બીજાના કેસમાં ફસાવી દેવાઈ છે. પોલીસ અને કોર્ટ તપાસમાં ખોટી સાબિત થઈશ તો તમામ રૂપિયા પાછા આવી જશે. સાયબર ઠગોએ મને ઘણા બધાં ફેક આઇડી બતાવ્યા અને બધું જ હકીકતની જેમ રજૂ કર્યું કે મને શંકા જ થઈ નહીં. પીજીઆઇ સ્ટેશન પર ગયા બાદ જાણ થઈ કે આવી છેતરપિંડી ખૂબ સામાન્ય થઈ ચૂકી છે. મેં ગોમતીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.’


Google NewsGoogle News