ડિજિટલ અરેસ્ટ મોટી છેતરપિંડી : મોદીની દેશવાસીઓને ચેતવણી
- 'મન કી બાત'માં વડાપ્રધાને ડિજિટલ છેતરપિંડીથી બચવા ત્રણ ઉપાયો બતાવ્યા
- કાયદામાં ડિજિટલ અરેસ્ટની કોઈ વ્યવસ્થા નથી, કોઈ કોલ આવે તો સૌથી પહેલાં ગભરાશો નહીં, રોકાઓ, વિચારો અને પછી પગલાં લો : વડાપ્રધાન
- ડિજિટલ અરેસ્ટથી બચવા જાગૃતિ જ સૌથી મોટો ઉપાય, રાષ્ટ્રીય હેલ્પલાઈન ૧૯૩૦ પર ડાયલ કરો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધી લાગુ કર્યા પછી ડિજિટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતે આ દિશામાં મોટી છલાંગ પણ લગાવી છે. જોકે, ડિજિટલ અરેસ્ટ કૌભાંડ ડિજિટલ ઈન્ડિયાના અભિયાનમાં મોટો અવરોધ બન્યું છે. હવે આ મુદ્દે દેશવાસીઓને જાગૃત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ આવવું પડયું છે. વર્તમાન સમયમાં ડિજિટલ અરેસ્ટના સેંકડો કૌભાંડ સામે આવ્યા છે, જેમાં લોકોએ તેમની મહેનતની કમાણી ગુમાવવી પડી છે. જોકે, ત્રણ પગલાંથી આ કૌભાંડનો ભોગ બનવાથી બચી શકાય છે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક પ્રસારણ કાર્યક્રમ 'મન કી બાત'માં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તપાસ એજન્સીઓ ક્યારેય કોઈને ફોન કોલ અથવા વીડિયો નથી કરતી. સાથે જ તેમણે આ કૌભાંડથી બધા જ ભારતીયોને સાવધ રહેવા માટે પણ જણાવ્યું હતું. પીએમ મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં જણાવ્યું હતું કે, ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા કાયદામાં નથી. આ માત્ર છેતરપિંડી અને જુઠ્ઠાણું છે. સાયબર ગૂનેગારોની ગેંગ છે, જે આ રીતે લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. જે લોકો આવું કરી રહ્યા છે તેઓ સમાજના દુશ્મન છે.
તેમણે ઉમેર્યું કે, ડિજિટલ અરેસ્ટના નામે જે કૌભાંડ ચાલે છે તેનો સામનો કરવા માટે તમામ તપાસ એજન્સીઓ, રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે. ડિજિટલ અરેસ્ટથી બચવા માટે ત્રણ તબક્કા છે, જેમાં 'રોકાઓ , વિચારો અને પગલાં લો'નો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, ડિજિટલ અરેસ્ટ જેવો માટે કોઈનો કોલ આવે એટલે તરત રોકાઓ, ગભરાશો નહીં, શાંત રહો, ઉતાવળમાં કોઈ પગલું ભરશો નહીં, કોઈને પોતાની અંગત માહિતી ના આપશો. શક્ય હોય તો સ્ક્રીનશોટ લો અને કોલ રેકોર્ડિંગ જરૂર કરો. તેમણે ઉમેર્યું કે, બીજો તબક્કો છે, વિચારો. કોઈપણ સરકારી એજન્સી ફોન પર આવી ધમકી આપતી નથી કે વીડિયો કોલ પર પૂછપરછ પણ નથી કરતી તેમજ કોલ કરીને રૂપિયા પણ નથી માગતી. ફોન પર આવી કોઈ માગણી થાય અને તમે ડરી જાવ તો થોડો વિચાર કરો. ત્રીજો તબક્કો છે - પગલાં લો. રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ ડાયલ કરો અથવા http://cybercrime.gov.in પર રિપોર્ટ કરો. પરિવાર અને પોલીસને તુરંત આવા કોલની જાણ કરો. પુરાવા સુરક્ષિત રાખો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, લોકો સાથે સાયબર છેતરપિંડી કરતા હજારો ખોટા વીડિયો કોલિંગ આઈડી તપાસ એજન્સીઓએ બ્લોક કર્યા છે. એટલું જ નહીં લાખો સીમ કાર્ડ્સ, મોબાઈલ ફોન્સ અને બેન્ક એકાઉન્ટ પણ બ્લોક કર્યા છે. તપાસ એજન્સીઓ તેમનું કામ કરી રહી છે, પરંતુ ડિજિટલ અરેસ્ટના નામે થતા કૌભાંડથી બચવા માટે પ્રત્યેક નાગરિક તેનાથી માહિતગાર થાય તે ખૂબ જ મહત્વનું છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ પણ આગળ આવવું જોઈએ અને ફરિયાદ નોંધાવવી જોઈએ. પીએમ મોદીએ લોકોને આ મુદ્દે જાગૃતિ ફેલાવવા માટે હેશટેગ 'સેફડિજિટલઈન્ડિયા' સાથે જોડાવા વિનંતી પણ કરી હતી.
- અજાણ્યા નંબર પરથી આવતા કોલથી કૌભાંડ શરૂ થાય છે
- કાયદાના નામે ડર, બચવાની ઉતાવળ સાયબર કૌભાંડીઓના મોટા હથિયાર
- પીડિતને ડરાવી-ધમકાવી આધાર કાર્ડ, બેન્ક વિગતો અને ઓટીપી જેવી જરૂરી માહિતી મેળવી લવાય છે
નવી દિલ્હી: ભારતીય સાયબર સિક્યોરિટી એજન્સી સર્ટ-ઈન (CERT-In)એ રવિવારે ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર કૌભાંડો અંગે અને તનાથી બચવા માટે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. એજન્સીએ કહ્યું કે, કોઈ અજાણ્યા નંબર પરથી આવતા ઓડિયો-વીડિયો કોલથી કૌભાંડ શરૂ થાય છે અને કાયદાનો ડર તથા તેમાંથી બચવાની લોકોની ઉતાવળ સાયબર કૌભાંડીઓના મોટા હથિયાર છે.
કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (CERT-In)એ રવિવારે જણાવ્યું હતું કે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડીની પદ્ધતિઓમાંની એક ડિજિટલ અરેસ્ટ છે, જેમાં પીડિતને કાયદાના નામે ડરાવવા અને ધરપકડના નામે ધમકાવવામાં આવે છે. ધરપકડથી બચવા માટે નાણાં ચૂકવવાના નામે પીડિતનું બેન્ક ખાતું ખાલી કરાય છે.
ડિજિટલ અરેસ્ટ કૌભાંડની શરૂઆત એક અજાણ્યા નંબરથી આવેલા ઓડિયો અથવા વીડિયો કોલથી થાય છે. પીડિત કોલ ઉઠાવતા તેને ડ્રગ્સના ફેક પાર્સલ, મોબાઈલ નંબર બંધ થવા અથવા નકલી મની લોન્ડરિંગના કેસની ધમકી અપાય છે. ત્યાર બાદ તેમને ધરપકડ અથવા નકલી વોરન્ટ બતાવી તપાસમાં સહયોગ આપવા જણાવાય છે. પીડિતને તપાસ માટે દિલ્હી, મુંબઈ અથવા અન્ય કોઈ મોટા શહેરમાં બોલાવાય છે. જોકે, પીડિત ધરપકડ અથવા કાયદાકીય તપાસથી બચવા માટે વાત કરે ત્યારે તેમને ઘરમાંથી જ તપાસમાં સહયોગ આપવા કહેવાય છે, જેને ડિજિટલ અરેસ્ટ કહેવાય છે. આ સમયે તેમને ઘર અથવા રૂમની બહાર નીકળવા, અન્ય કોઈનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂકી દેવાય છે.
પીડિતને નકલી તપાસની પ્રક્રિયામાં ડરાવવા, ધમકાવવામાં આવે છે અને તેની પાસેથી આધાર કાર્ડ, બેન્ક વિગતો અને ઓટીપી જેવી જરૂરી માહિતી મેળવવામાં આવે છે. ડિજિટલ અરેસ્ટથી બચવા માટે પીડિત પાસે રૂપિયાની પણ માગણી કરાય છે. ગભરાઈ ગયેલા પીડિતો કંઈપણ વિચાર્યા વિના ઉતાવળે જે-તે બેન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. કેટલીક વખત ઓનલાઈન ફ્રોડમાં પીડિતની વિગતો મેળવી તેના નામે બેન્ક લોન પણ લઈ લેવામાં આવે છે.