ડુંગળીના ઉત્પાદકોના માથે ખોટના વાદળો, પહેલાં પ્રતિબંધો હવે બાંગ્લાદેશ હિંસાની માઠી અસર
Image: FreePik |
Bangladesh Violence Impact On Farmers: પડોશી રાજ્ય બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસાના કારણે ભારતીય નિકાસકારોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેમાં ખેડૂતો અને કોમોડિટી વેપારીઓ પણ બાકાત રહ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાથી આકરા પ્રતિબંધો અને હિંસાના કારણે બાંગ્લાદેશનો ટોચનો ડુંગળી નિકાસકાર ભારત ડુંગળીની નિકાસ કરવામાં અસમર્થ બન્યો છે. જેનો ફટકો દેશના ખેડૂતો અને વેપારીઓને પડી રહ્યો છે.
કુલ ઉત્પાદનના 35 ટકા નિકાસ બાંગ્લાદેશને
ભારતમાં ઉત્પાદિત થતી કુલ ડુંગળીના 35 ટકા હિસ્સો બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટ્સ એસોસિએશનના ઉપાધ્યક્ષ વિકાસ સિંહે જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશ અમારા માટે એક આદર્શ નિકાસ સ્થળ છે. માર્ગ કનેક્ટિવિટીના કારણે અમે એકથી ચાર દિવસમાં બાંગ્લાદેશમાં પુરવઠો પહોંચાડીએ છીએ.
ડુંગળીના વેપારમાં નુકસાન વધવાની શક્યતા
બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો ટ્રેડર પાર્ટનર છે. ભારત સરકાર અનુસાર, 2021-22માં ભારતે 15.37 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસ કરી હતી. જેમાંથી 6.58 લાખ મેટ્રિક ટન નિકાસ બાંગ્લાદેશમાં થઈ હતી. 2022-23માં ભારતે 25.25 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસ કરી હતી. જેમાં 6.71 લાખ મેટ્રિક ટન બાંગ્લાદેશમાં થી હતી. 2023-24માં 7.24 લાખ મેટ્રિક ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થઈ હતી. આ વર્ષે હિંસાના કારણે નિકાસ ઘટતાં ડુંગળીના વેપારીઓને મોટુ નુકસાન થવાની શક્યતા છે.
ડુંગળીના ઉત્પાદકોના માથે ખોટના વાદળો
ડુંગળીની વાવણી કરતાં ખેડૂતો અને વેપારી ઓગસ્ટ, 2023થી ડુંગળીની નિકાસમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગતવર્ષે ડુંગળીના ભાવોમાં નોંધાયેલા ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે સ્થાનિક પુરવઠો અને ભાવ નિયંત્રણો કરવા ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી લાદી હતી. બાદમાં ડિસેમ્બર, 2023માં ડુંગળીની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દીધો હતો. જો કે, મે, 2024માં ડુંગળી પરના નિકાસ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હતા. સરકારે 40 ટકા નિકાસ ડ્યૂટી અને 550 ડોલર લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ટન લાગુ કર્યા હતા.
ડુંગળીની નિકાસ 50 ટકા ઘટી
ડુંગળીના નિકાસકારોએ દાવો કર્યો છે કે, આ પ્રતિબંધોના કારણે ડુંગળીની નિકાસ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ડુંગળીની કુલ નિકાસ 50 ટકા ઘટી છે. 2023માં જ ડુંગળીના નિકાસ ખોટવાતાં મજૂરોથી માંડી જુદા-જુદા સ્ટેકહોલ્ડર્સ સુધી તમામને કુલ 10 હજાર કરોડનું નુકસાન થયુ હતું.