પન્નુના કારણે અમેરિકાએ ભારત સાથે અબજોની કિંમતની ડ્રોન ડીલ અટકાવી? સરકારે આપ્યો જવાબ
ગત વર્ષે PM મોદીના અમેરિકી પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ડ્રોન ડીલ થઈ હતી
ડીલ અટકાવી હોવાના અહેવાલો ફરતા થયા બાદ ભારત સરકારે આપ્યો જવાબ
America-India Drone Deal : અમેરિકાએ ભારત સાથે 31 એમક્યૂ-9એ ગાર્જિયન અને સ્કાઈ ગાર્જિયન ડ્રોનની ડિલીવરી અટકાવી દીધી હોવાના દાવો કરાયો છે. રિપોર્ટ મુજબ જ્યાં સુધી ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂ (Khalistani Terrorist Gurpatwant Singh Pannun)ની હત્યાના ષડયંત્રના આરોપોની તપાસ પૂરી ન કરે, ત્યાં સુધી અમેરિકાએ હથિયારોની ડિલીવરી અટકાવી દીધી હોવાનો દાવો કરાયો છે, ત્યારે આ અંગે ભારત સરકારે પણ જવાબ આપ્યો છે.
અમેરિકાએ ભારત પર શું આરોપ લગાવ્યો હતો ?
વાસ્તવમાં અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે, અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના ઈશારા બાદ નિખિલ ગુપ્તાએ અમેરિકી નાગરિક પન્નુને મારવાનું ષડયંત્ર રચ્યું હતું. અમેરિકન કાયદા વિભાગનું કહેવું છે કે, ‘52 વર્ષનો એક ભારતીય નાગરિક, જે ભારત સરકારનો કર્મચારી છે, તેણે ઉત્તર ભારતમાં એક અલગ શિખ રાષ્ટ્રની તરફેણ કરનાર ન્યૂયોર્ક શહેરના રહેવાસીની હત્યાનું ષડયંત્ર રહ્યું હતું.’ વિભાગે પન્નુના નામો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમનો ઈશારો પન્નુ તરફ છે, કારણ કે પન્નુ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહે છે.
ડીલના અહેવાલો અંગે ભારત સરકારે આપ્યો જવાબ
વિદેશ મંત્રાલયની ગુરુવારે નિયમિત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પૂછાયું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ડ્રોન ડીલની વર્તમાન સ્થિતિ શું છે? બંને દેશો વચ્ચેની વાતચીત ક્યાં સુધી પહોંચી છે? કારણ કે બંને દેશો વચ્ચે આ ડીલ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ગત વર્ષના અમેરિકા પ્રવાસ દરમિયાન આ ડીલની જાહેરાત થઈ હતી. આ તમામ બાબતો વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે, ડીલને હાલ બ્લૉક કરી દેવાઈ છે. આ મામલે તમને લાગે છે કે, પન્નુની હત્યાના ષડયંત્રના આરોપના કારણે આવા પ્રકારની મોટી ડિફેન્સ ડીલ પર અસર પડી છે?’
જેનો જવાબ આપતા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘આ મુદ્દો ખાસ કરીને અમેરિકા સાથે સંબંધિત છે. આ (ડ્રોન ડીલ) અંગે તેમની પોતાની આંતરિક પ્રક્રિયા છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. આટલું જ હું અત્યારે મારી બાજુથી કહી શકું છું.’
અમેરિકાએ ડીલ અટકાવી હોવાના અહેવાલ
અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે, અમેરિકાએ ભારત સાથે થયેલ ડ્રોન ડીલની ડિલીવરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યાં સુધી ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ષડયંત્રના આરોપોની તપાસ પૂરી ન કરે, ત્યાં સુધી અમેરિકાએ હથિયારોની ડિલીવરી અટકાવી દીધી હોવાનો દાવો કરાયો છે.