પહાડી ગણેશા: ના કોઇ મંદિરના કોઇ ગુંબજ ખુલા આકાશ નીચે, 3 હજાર ફુટની ઉંચાઇ પર વિરાજમાન છે એકદંતા
નવી દિલ્હી,તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
છત્તીસગઢના દંતેવાડાની ઢોલકલ ગણેશના રૂપમાં પ્રખ્યાત આ એકદંતા ગણેશજીની પ્રતિમા પહાડો પર ખુલ્લા આકાશની નીચે છે. ભગવાન ગણેશની આ પ્રતિમા વિશે વિવિધ ચર્ચાઓ છે. પુરાતત્વ વિભાગના લોકોના જણાવ્યા અનુસાર આ પ્રતિમા 11મી સદીની છે. જ્યારે નાગવંશી રાજાઓ ત્યાં રાજ કરતા હતા. તેની પાછળનો તર્ક એ છે કે ગણેશ મૂર્તિના પેટ પર સાપનું ચિત્ર છે. આ પરથી લોકો પુષ્ટિ કરે છે કે, આ પ્રતિમા નાગવંશી રાજાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.
ઢોલકલ ટેકરી દંતેવાડા શહેરથી લગભગ 22 કિમી દૂર છે. સ્થાનિક ભાષામાં 'કલ' નો અર્થ પર્વત થાય છે. એવું કહેવાય છે કે, જ્યારે આ ટેકરી પર ઢોલ વગાડવામાં આવે છે ત્યારે તેનો અવાજ દૂર સુધી પહોંચે છે, તેથી તેને ઢોલકાલ ટેકરી કહેવામાં આવે છે. તો ઘણા લોકો એમ પણ કહે છે કે, ટેકરીનો આકાર ડ્રમ જેવો છે, તેથી તેને ઢોલકલ ટેકરી કહેવામાં આવે છે.
ગણપતિની પ્રતિમાનું સ્થાન જોઈને તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે તે ક્યાં છે, આ પ્રતિમા છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં છે. આનું મુખ્ય સ્થાન બસ્તરના દંતેવાડા જિલ્લાનું ફરસપાલ ગામ છે, જ્યાં તે બૈલાડિલા ટેકરી પર આવેલું છે.
3000 ફૂટની ઉંચાઈ પર ગણેશજી
ગણપતિની આ ઐતિહાસિક પ્રતિમા લગભગ 3000 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી હતી અને તે 3 ફૂટ ઊંચી પ્રતિમા પહાડી પર કેવી રીતે સ્થાપિત થઈ તે હજુ પણ રહસ્ય છે.
આ પ્રતિમા સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. કહેવાય છે કે, આ જગ્યાએ પરશુરામ અને ભગવાન ગણેશ વચ્ચે લડાઈ થઈ હતી અને અહીં તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. આ માન્યતા સમગ્ર બસ્તરમાં પ્રચલિત છે અને અહીં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે.
આ પ્રતિમામાં ભગવાન ગણેશ કુહાડી, તૂટેલા દાંત, માળા અને મોદક જોવા મળશે. આ પ્રતિમાની તસવીર 2012માં વાયરલ થઈ હતી અને આજે તે એક આકર્ષક પર્યટન સ્થળ બની ગયું છે. જો કે, તે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં છે, પરંતુ ગણપતિના આવા દર્શન કોઈનું પણ દિલ જીતી શકે છે.