રૂ. 34000 કરોડના બેંક છેતરપિંડી કેસમાં ધીરજ વાધવાનની ધરપકડ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
રૂ. 34000 કરોડના બેંક છેતરપિંડી કેસમાં ધીરજ વાધવાનની ધરપકડ 1 - image


- ડીએચએફએલ કૌભાંડમાં સીબીઆઇની કાર્યવાહી

- દિવાન હાઉસિંગના પૂર્વ ડાયરેક્ટરની મુંબઇમાં મોડી રાતે ધરપકડ : કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

નવી દિલ્હી : ૩૪૦૦૦ કરોડ રૂપિયાના બેકિંગ છેતરપિંડી કેસમાં સીબીઆઇએ ડીએચએફએલના  પૂર્વ ડાયરેક્ટર ધીરજ વાધવાનની ધરપકડ કરી છે.તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ૧૭ બેંકોના જૂથ સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે સોમવાર મોડી રાતે મુંબઇમાંથી વાધવાનની ધરપકડ કરવામાં આવી હતી.

આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ડીએચએફએલના પૂર્વ ડાયરેક્ટર અને તેમના ભાઇ કપિલની ૧૯ જુલાઇ, ૨૦૨૨ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ કપિલ અને ધીરજ સહિત કુલ ૭૫ સામે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.

જો કે ૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ તેમને તપાસ અધૂરી હોવા અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અપૂર્ણ હોવાના કારણે જામીન આપવામાં આવ્યા હતાં. આ ચુકાદાને દિલ્હી હાઇકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.

સીબીઆઇએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાને ખામીયુક્ત ગણાવી ફગાવી દીધા હતાં. 

આ દરમિયાન મેડિકલ ગ્રાઉન્ડને આધારે ધીરજ વાધવાનને બોમ્બે હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતાં અને તેમને સારવાર માટે લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોર્ટે આપેલો પ્રોટેકશન પિરિયડ પૂર્ણ થતાં સીબીઆઇએ વાધવાનની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News