ભોજશાળાની દરગાહમાં કયા કયા ભગવાનની મૂર્તિ મળી, જાણો સમગ્ર વિવાદ
Image social Media |
Dhar Bhojshala Dispute : મધ્યપ્રદેશના ધારમાં સ્થિત ભોજશાળા અને કમાલ મૌલા મસ્જિદના વિવાદિત ઢાંચાના સર્વેનું કામ 24 જૂનની સાંજે ખતમ થઈ ગયુ છે. હવે રીટ્રીટ અને મેન્ટેન્સનું કામ ચાલુ રહેશે. ત્રણ મહિના સુધી ચાલેલા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેનો શું નિષ્કર્ષ નીકળ્યો છે તે દસ્તાવેજોમાં નોંધાઈ ગયો છે. ચાર જુલાઈના રોજ તેનો રિપોર્ટ હાઇકોર્ટ ઈંદોર ખંડપીઠમાં જમા થશે, પરંતુ આ નિષ્કર્ષ રિપોર્ટનો ખુલાસો ક્યારે થશે તે નક્કી નથી. આ ઉપરાંત આ મામલો અયોધ્યા અને કાશી જેટલો જ સંવેદનશીલ હોવાથી તેનો ખુલાસો થશે કે કેમ તે પણ એક સવાલ છે.
22 માર્ચના રોજ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે એએસઆઈ (ASI)ના 100 નિષ્ણાતોની ટીમે સર્વેની શરૂઆત કરી હતી. આ દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમ પક્ષના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ ટીમે ભોજશાળામાં વિજ્ઞાન આધાર પર સર્વે કર્યો હતો. શરૂઆતમાં સર્વેનો સમય 6 અઠવાડિયા હતો જેને પાછળથી વધારવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટને અનુરોધ કર્યો ત્યારે વધારવામાં આવ્યો. મુસ્લિમ પક્ષે સર્વે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેને રદ કરી દેવાઈ હતી.
ધાર શહેરના કાઝી વકાર સાદિક અને જામા મસ્જિદ ઇન્તજામિયા કમિટીના ઝુલ્ફીકાર અહમદે ઘણી વખત સર્વેને લઈને પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે તેઓ હાઇકોર્ટના ચુકાદાનું સન્માન કરે છે, પરંતુ આ સર્વે બાબતે અગાઉ કોઈ સૂચના આપવામાં આવી નહોતી.
સમગ્ર સર્વે દરમિયાન મંગળવારે હિન્દુ સમાજે ભોજશાળામાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને શુક્રવારે મુસ્લિમોએ નમાજ અદા કરી હતી. આ વ્યવસ્થા વર્ષોથી ચાલતી આવી રહી છે.
શું છે ભોજશાળાનો વિવાદ ?
ધાર જિલ્લામાં આવેલ એએસઆઈ દ્વારા સંરક્ષિત 11મી શતાબ્દીના સ્મારક ભોજશાળાને હિન્દુ સમાજ દ્વારા સરસ્વતી દેવીનું મંદિર માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ સમુદાય તેની કમાલ મૌલા મસ્જિદ ગણાવે છે. 7 એપ્રિલ 2003ના રોજ એએસઆઇ દ્વારા અહીં એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી કે મંગળવારે હિન્દુ ભોજશાળા પરિસરમાં પૂજા કરી શકશે, અને મુસ્લિમો શુક્રવારે નમાજ અદા કરી શકશે. આ મુદ્દા ઉપર ઘણી વખત ધાર્મિક તણાવ ઊભો થયો હતો. જ્યારે શુક્રવારે વસંત પંચમી આવે ત્યારે બંને પક્ષો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાતી હતી, કેમ કે શુક્રવારે મુસ્લિમો અંદર નમાજ પઢતા હોય અને હિન્દુઓ પૂજા કરવા માટે લાઈનમાં લાગેલા હોય છે.
સર્વે દરમિયાન શું શું થયું?
ધારની ઐતિહાસિક ભોજશાળામાં હિંદુ-મુસ્લિમ પક્ષના દાવા અને અધિકારોની લડાઈને લઈને હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા સર્વેની માંગણી કરવામા આવી હતી. આ અંગે ઈન્દોર હાઈકોર્ટમાં કરાયેલી અરજી બાદ 22 માર્ચથી શરૂ થયેલ ASI સર્વેક્ષણ, ભોજશાળામાંથી અત્યાર સુધીમાં ઘણા અવશેષો મળ્યા છે. જેમાં હિંદુ પક્ષોના દાવા મુજબ, માતા વાગ્દેવી, ભગવાન ગણેશ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, હનુમાન અને ભૈરવનાથ અને અન્ય દેવતાઓની મૂર્તિઓ સાથે ઘણા અવશેષો મળી આવ્યા છે. આ દર્શાવે છે કે પ્રાચીન ભોજશાળા હિન્દુ ધર્મનો એક ભાગ છે.
હિન્દૂ પક્ષનો દાવો
મસ્જિદમાં ચાલી રહેલા સર્વેને લઈને હિન્દુ પક્ષે 24 જુનના રોજ મોટો દાવો કર્યો હતો. હિન્દુ પક્ષના ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે આ ઉત્ખનનમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને ભગવાન વિષ્ણુની પ્રતિમા મળી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત તેમને અન્ય ત્રણ અવશેષ મળ્યા છે જેને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને બે જુલાઈના રોજ કોર્ટની સામે પુરાવા રજૂ કરવાના છે જેના આધારે કેસની સુનાવણી હાથ ધરાશે.
મુસ્લિમ પક્ષે મૂકી પોતાની વાત
મુસ્લિમ પક્ષકાર અબ્દુલ સમદે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે અંતિમ બે દિવસમાં કામ દરમિયાન મનુષ્યના હાડકા મળ્યા હતા. તેને આજે અમારી વિનંતી પર આર્કિયોલોજિકલ ઓફ ઇન્ડિયાએ અલગથી ખાડો કરીને નિયમ અનુસાર દફન કરી દીધા હતા. આજે કોઈ પણ ભાગ કે ટુકડો મળ્યો નહોતો.