ધનખડ ભાજપના પ્રવક્તા, ગૃહ ચાલવા નથી દેતા : વિપક્ષ
- રાજ્યસભાના અધ્યક્ષ ધનખડ પોતાને સંઘના એકલવ્ય ગણાવે છે, સરકારની શાનમાં કસીદા પઢે છે : ખડગે
- પક્ષપાતી ધનખડની નિષ્ઠા બંધારણીય પરંપરાઓ નહીં પણ સત્તાધારી પક્ષ માટે જ છે, આવું કોઇ ઉપરાષ્ટ્રપતિએ નથી કર્યું : કોંગ્રેસ અધ્યક્ષ
- ધનખડ સંસદ નહીં પરંતુ સર્કસ ચલાવે છે, કાર્યવાહી શરૂ થાય ત્યારે ૪૦ મિનિટ લાંબુ ભાષણ આપ્યા પછી કહે છે હવે દંગા કરો : સંજય રાઉત
નવી દિલ્હી: સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસ દરખાસ લાવ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું વર્તન પક્ષપાતી છે, તેઓ સૌથી મોટા સંસદ ખોરવનાર છે, સંસદમાં તેમના પક્ષપાતી વલણને કારણે દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે અને તેથી અમે તેમને અધ્યક્ષ પદેથી હટાવવા અવિશ્વાસ દરખાસ લાવવા માટે મજબુર થયા છીએ. ધનખડ પોતાને આરએસએસના એકલવ્ય ગણાવે છે તો ક્યારેક સરકારના સુરમાં સુર મિલાવે છે. વિપક્ષે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડ પર અનેક આરોપો લગાવ્યા હતા.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વાત કરતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરંસ કરીને અનેક આરોપો લગાવ્યા હતા. ખડગેએ કહ્યું હતું કે દેશના ઉપરાષ્ટ્રપતિ લોકશાહીનો એક મજબૂત સ્તંભ હોય છે. આ પદ પર અનેક લોકો બેઠા છે અને ઘણા કામ કર્યા છે. કોઇ પણ ઉપરાષ્ટ્રપતિ સામે અગાઉ ક્યારેય અવિશ્વાસ પ્રસ્તાવ નથી લવાયો કેમ કે તમામે પક્ષપાત રાખ્યા વગર જ કામ કર્યું હતું. જોકે આજે અમારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડના પક્ષપાતિ વલણને કારણે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડી રહ્યો છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ૧૯૫૨માં કહ્યું હતું કે તેઓ કોઇ પણ પક્ષ સાથે નથી જોડાયેલા. એનો અર્થ એમ થયો કે તેઓ તમામ પક્ષ તરફથી છે, જે તેમની નિષ્પક્ષતા દર્શાવે છે. જગધીપ ધનખડ પક્ષપાતિ હોવાથી તેમની સામે આ પ્રસ્તાવ લાવ્યા છીએ. તેઓ વિપક્ષના સાંસદોની સાથે હેડમાસ્ટર જેવુ વર્તન કરી તેમનું સ્કૂલિંગ કરવા લાગે છે.
ખડગેએ કહ્યું હતું કે ધનખડ ક્યારેક સરકારની શાનમાં કસીદા પઢવા લાગે છે તો ક્યારેક પોતાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના એકલવ્ય ગણાવે છે. તેઓ વરિષ્ઠ સાંસદોનું પણ ભાન નથી રાખતા અને વિપક્ષના નેતાઓ અંગે રાજકીય નિવેદનો આપવા લાગે છે, વિપક્ષના નેતાઓને પ્રવચન આપવા લાગે છે. વિપક્ષના સાંસદો જો માત્ર પાંચ મિનિટ બોલે તો તેની સામે ધનખડ ૧૦ મિનિટનું લાંબુ ભાષણ આપી દે છે. વિપક્ષ જે મુદ્દાઓ ઉઠાવે તેના પર ધનખડ ચર્ચા જ નથી થવા દેતા, અમારા નેતાઓને બોલતા રોકવામાં આવે છે. ધનખડની નિષ્ઠા બંધારણીય પરંપરાઓ નહીં પરંતુ સત્તાધારી પક્ષ (ભાજપ) માટે જ છે. પ્રમોશન માટે ધનખડ સરકારના પ્રવક્તા બનીને કામ કરી રહ્યા છે. ખુદ અધ્યક્ષ ધનખડ જ રાજ્યસભામાં સૌથી વધુ અવરોધો ઉભા કરે છે, તેઓ હંમેશા સંસદને ઠપ કરવાનો પ્રયાસ કરતા હોય છે. વારંવાર સરકારનો પક્ષ લેવા લાગે છે. તેમનું આ વલણ દેશની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનારું છે.
જ્યારે શિવસેના (યુબીટી)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે સંસદની કાર્યવાહી શરૂ થાય ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડ ખુદ ૪૦ મિનિટનું ભાષણ આપી નાખે છે અને બાદમાં કહે છે દંગા કરો, એવુ લાગી રહ્યું છે જાણે અધ્યક્ષ ધનખડ સંસદ નહીં પરંતુ સર્કસ ચલાવી રહ્યા છે. બીજી તરફ ભાજપે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે જગદીપ ધનખડ જાટ છે, કોંગ્રેસ તેમની સામે અવિશ્વાસ દરખાસ લાવીને જાટ સમાજનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ આમ કરીને સોરોસ મામલાથી ધ્યાન ભટકાવવા માગે છે. ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લાવવી અને ઇવીએમ મુદ્દે વારંવાર સુપ્રીમ કોર્ટમાં જવું દુઃખદ અને પરેશાન કરનારું છે. ચૂંટણી પંચ પર આરોપો લગાવાય છે, ઉપરાષ્ટ્રપતિ પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કોંગ્રેસને ભારતના બંધારણ પ્રત્યે કોઇ જ સન્માન નથી.