એરલાઈન્સ-એરપોર્ટ પર નોકરીનું વિચારતી યુવતીઓ માટે ગુડ ન્યૂઝ, DGCAએ આપ્યા મોટા આદેશ
Indian Aviation Sector: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એવિએશન સેક્ટરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરી છે. DGCAએ સર્ક્યુલર જાહેર કરીને નિર્દેશ આપ્યા છે કે, 'ભારતના તમામ એરપોર્ટ અને એરલાઇન્સમાં વધુને વધુ મહિલાઓને નોકરી આપવામાં આવે. એવિએશન સેક્ટરમાં વર્ષ 2025 સુધીમાં કુલ સ્ટાફમાં ઓછામાં ઓછી 25 ટકા મહિલાઓ હોવી જોઈએ.'
ખાલી પડેલી જગ્યાઓ પર વધુને વધુ મહિલાઓની ભરતી થવી જોઈએ
ડીજીસીએ દ્વારા એવિએશન સેક્ટરમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે નિર્દેશ આપ્યા જણાવ્યું છે કે, 'એરપોર્ટ અને એરલાઇન્સે ખાલી જગ્યાઓ પર ભરતી કરવી જોઈએ અને શક્ય તેટલી વધુ મહિલાઓને તક આપવી જોઈએ. આ ઉપરાંત મહિલાઓ માટે કામ કરવાની પરિસ્થિતિઓમાં સુગમતા હોવી જોઈએ. એચઆર પોલિસી એવી બનાવવી જોઈએ કે મહિલાઓ કોઈપણ ભેદભાવ વિના આ જગ્યાઓ પર કામ કરી શકે. કોઈપણ કારણસર નોકરી છોડી ગયેલી મહિલાઓને પુનઃ રોજગારી આપવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ.'
આવી પોલિસી બનાવો જેથી મહિલાઓએ કામ છોડવું ન પડે
DGCAએ સર્ક્યુલર જાહેર કરીને નિર્દેશ આપ્યા છે કે, 'કંપનીઓમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષા ભેદભાવપૂર્ણ ન હોવી જોઈએ. કર્મચારીઓને ભેદભાવ ટાળવા માટે તાલીમ પણ આપવી જોઈએ. એરપોર્ટ અને એરલાઈન્સે એવી પોલિસી બનાવવી જોઈએ કે જેથી કરીને મહિલાઓ પરિવારની જવાબદારીઓ પૂરી કરવા માટે કામ ન છોડે.
ભારતમાં મહિલા પાયલોટની સંખ્યામાં વધારો થયો
ડીજીસીએ અનુસાર, ભારતમાં મહિલા પાયલોટની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વિવિધ એરલાઈન્સમાં મહિલા પાયલોટની સંખ્યા લગભગ 14 ટકા છે. જો કે, એવિએશન સેક્ટર રેગ્યુલેટરે અનુસાર, આ સંખ્યા ઓછામાં ઓછી 25 ટકા હોવી જોઈએ.