મહાકુંભમાં આજે વસંત પંચમીએ કડક સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનું અમૃત સ્નાન
- મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા મુદ્દે સુપ્રીમમાં આજે સુનાવણી
- વસંત પંચમીએ શ્રદ્ધાળુઓને સુવિધા પુરી પાડવા મુસ્લિમોએ મસ્જિદો-દરગાહોના દરવાજા ખોલ્યા
- મહાકુંભમાં મૌની અમાસની દુર્ઘટનામાં કાવતરાંની આશંકાથી એસટીએફે ૧૬,૦૦૦ મોબાઈલ નંબરોની
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ફરી એક વખત અમૃત સ્નાન (શાહી સ્નાન)ની તૈયારીઓ થઈ ગઈ છે. જોકે, મહાકુંભના સૌથી મોટા મૌની અમાસના અમૃત સ્નાન જેવી ભાગદોડની દુર્ઘટના ફરી ના થાય તે માટે સોમવારને વસંત પંચમીના અમૃત સ્નાન માટે યોગી સરકારે મજબૂત વ્યવસ્થા ગોઠવી છે. બીજીબાજુ મહાકુંભમાં મૌની અમાસના અમૃત સ્નાન વખતે થયેલી ભાગદોડમાં કાવતરાંની આશંકાથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ૧૬,૦૦૦ મોબાઈલ નંબરોની તપાસ શરૂ કરી છે.
મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન (શાહી સ્નાન)માં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવવા આવશે તેવી સંભાવનાથી યોગી સરકારે ક્રાઉડ મેનેજમેન્ટની વિશેષ યોજના તૈયાર કરી દીધી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરાયો છે. આ સિવાય પાંટુન પુલો પર મેળામાં આવતા લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે તેનું વિશેષ ધ્યાન રખાયું છે.
વસંત પંચમીના અમૃત સ્નાન માટે શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું છે. રવિવારે અંદાજે ૯૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ સ્થળ પર ડુબકી લગાવી હતી. આ સાથે મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ ૩૩.૬૧ કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર પર સીસીટીવીના માધ્યમથી આવતા ઈનપુટના આધારે તાત્કાલિક વ્યસ્થામાં ફેરફાર કરવાની યોજના પણ બનાવાઈ છે. વસંત પંચમીએ સોમવારે શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે મુસ્લિમ સમાજ પણ આગળ આવ્યો છે. તેમણે શ્રદ્ધાળુઓ માટે મસ્જિદો, દરગાહોના દરવાજા ખોલી નાંખ્યા છે.
દરમિયાન મૌની અમાસે થયેલી દુર્ઘટના આકસ્મિક નહીં પરંતુ કોઈ કાવતરું હતું કે કેમ તેવી આશંકાથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ તપાસ શરૂ કરી છે. એસટીએફ હાલ ૧૬,૦૦૦ જેટલા મોબાઈલ નંબરોના ડેટાની તપાસ કરી રહી છે, મૌની અમાસના દિવસે આ નંબરો મહાકુંભમાં સંગમ નોઝ વિસ્તારમાં સક્રિય હતા. આમાંથી કેટલાક મોબાઈલ ફોન સતત બંધ છે. તેનાથી કાવતરાંની આશંકાને પુષ્ટી મળી રહી છે. એસટીએફે ૧૦૦થી વધુ નંબરો ૨૪ કલાક સર્વેલન્સ પર રાખ્યા છે. સૂત્રો મુજબ બે લોકો ભગવા ધ્વજ લઈને અચાનક ભીડમાં ઘૂસી આવ્યા હતા. તેમના કારણે ભાગદોડ થઈ હતી. આ દાવાઓની તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. દરમિયાન મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વિશેષ માર્ગદર્શિકાના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ હતી, જેના પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારને સમાવતી બેન્ચ વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે.
મહાકુંભ માટે યાત્રાઃ શ્રદ્ધા શિખરને પણ ડોલાવી શકે
શ્રદ્ધા હોય તો શિખરને પણ ખસેડી શકાય એ વાતને મુંબઇના એક યુવાને સાર્થક કરી છે. મહાકુંભમાં જવા માટે રેલવે કે વિમાનની કન્ફર્મ ટિકીટ ન મળતાં ગૌરવ સૂર્યકાંત રાણે કુંભસ્નાન માટે મુંબઇથી પ્રયાગરાજ બાઇક પર જવા નીકળ્યો છે.
મહાકુંભ દરમ્યાન પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ભાગ લેવાનું ગૌરવનું લાંબા સમયથી સપનું હતું. હજારો યાત્રાળુઓ દરરોજ કુંભમાં જઇ રહ્યાં હોવાથી ટિકીટ મેળવવી લગભગ અશક્ય હતી. ફલાઇટના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો ટ્રેનોમાં સીટ ઉપલબ્ધ નહોતી. આથી પોતાની આધ્યાત્મિક ઇચ્છા છોડી દેવાને બદલે તેણે પોતાના સ્કૂટર પર એકલા હાથે લાંબી અને કપરી મુસાફરી શરૂ કરી.
૨૬મી જાન્યુઆરીના રોજ તે માત્ર એક બેકપેક અને માર્ગદર્શન માટે ગુગલ મેપ સાથે પ્રયાગરાજ જવા કોઇને કીધા વગર જ ચૂપચાપ ઘરેથી નીકળી ગયો હતો. તેની આ તીર્થયાત્રાને વધુ ખાસ બનાવવા તેણે પોતાના માર્ગમાં આવતાં વિવિધ ધાર્મિક સ્થળોએ સ્ટોપ લેવાનું પણ નક્કી કર્યું છે.
યાત્રા દરમ્યાન તેણે ત્ર્યંબકેશ્વર, ઓમકારેશ્વર, મમલેશ્વર, ઉજ્જૈન મહાકાલ, કાળભૈરવ મહારાજ, ઝાંસી, ઓચ્છા ગામ અને ચિત્રકુટ સાથે છ થી સાત જ્યોતિર્લિંગના દર્શનની યોજના ઘડી હતી. જે પૂર્ણ થવાને આરે છે. સુરક્ષિત રાત્રિ રહેઠાણ હોટેલ કે ધર્મશાળામાં મળી રહે તેની ખાતરી કરી તે માત્ર દિવસ દરમ્યાન જ ડ્રાઇવિંગ કરે છે.
'મુંબઇથી મહાકુંભ' ચિહ્ન દર્શાવતું તેનું સ્કૂટર જ તેનું વિશ્વાસી સાથી બની ગયું છે. અત્યાર સુધીમાં ૧૫૦૦ કિમીથી વધુની મુસાફરી તેણે પાર પાડી છે. મુસાફરી દરમ્યાન ખર્ચ કે રસ્તાની સ્થિતિના પડકારો સામે જરાય નિરાશ થયો નથી. તેને માટે આવી અનોખી રીતે કુંભમાં સામેલ થવાની તક કે જીવનભરનું સાહસિક સંભારણું છે.