પુરીમાં જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો ભક્ત, પોલીસે ધરપકડ કરી તો કહી આ વાત

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
પુરીમાં જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો ભક્ત, પોલીસે ધરપકડ કરી તો કહી આ વાત 1 - image
Image Twitter 

Jagannath temple Puri : ઓડિશાના પૂરીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાં સુરક્ષાને લઈને મોટી ખામી જોવા મળી છે. અહીં સુરક્ષા કર્મચારીઓને ચકમો આપીને એક અજાણ્યો વ્યક્તિ મંદિરના શિખર પર ચઢી ગયો હતો. આ ઘટના અંગેના સમાચાર સામે આવતા જ સમગ્ર વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું હતું. મંદિરની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે વહીવટીતંત્ર હવે તપાસ કરી રહ્યું છે કે સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ.

આ પણ વાંચો: ગુજરાત બાદ અહીં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, પથ્થરમારો અને કર્ફ્યૂ: પોલીસે 52ની કરી ધરપકડ


આ ઘટના બુધવારે સાંજે બની હતી. મળતી માહિતી પ્રમાણે મોડી સાંજે જ્યારે શ્રદ્ધાળુઓ મંદિરની અંદર જવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક વ્યક્તિ મંદિરના શિખર પર ચઢી ગયો. મંદિરના શિખર પર ચડ્યા પછી આ વ્યક્તિ લાંબો સમય સુધી ત્યાં ઊભો રહ્યો હતો. સુરક્ષાકર્મીઓને આ વાતની જાણ થતાં જ તેઓ તેને નીચે લાવ્યા. આ વ્યક્તિ પોતાને છત્રપુરનો રહેવાસી બતાવી રહ્યો હતો. હાલમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને હવે પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

સુરક્ષાકર્મીઓને ચકમો આપીને શિખર પર ચડ્યો શખસ

ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો અને કરોડો લોકો દર્શનાર્થે આવે છે. જેના કારણે મંદિરમાં કડક સુરક્ષા  વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારની ઘટનાએ લોકોમાં ચોંકાવી દીધા હતા. સૌને એ જાણીને આશ્ચર્ય થયું કે કેવી રીતે આ વ્યક્તિ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને ત્યાં પહોંચવામાં સફળ થયો. કેમ કોઈને ખબર ન પડી?

આ પણ વાંચો: શિમલા મસ્જિદ વિવાદમાં કોંગ્રેસમાં ઘમસાણ: સુખ્ખુ સરકારથી મોવડી મંડળ નારાજ

શખસે કહ્યું શિખર પર ચડવાનું કારણ 

પોલીસે આ શખસની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, શિખર પર ચઢનાર વ્યક્તિ પોતાને છત્રપુર (ઓરિસ્સા)નો રહેવાસી બતાવી રહ્યો છે. તેના કહેવા પ્રમાણે તે વર્ષ 1988થી મંદિરમાં આવી રહ્યો છે, અને તેની એક ઈચ્છા પૂર્ણ થયા બાદ તે નીલચક્રને સ્પર્શ કરીને પ્રણામ કરવા માંગતો હતો. તેથી તે મંદિરના શિખરે પહોંચી ગયો હતો. જોકે પોલીસ હાલમાં તેની વધુ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલુ છે. 

જગન્નાથ મંદિર ભારતના ચાર ધામમાંથી એક

ઓડિશાના પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના ચાર ધામમાંથી એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે અને વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની સ્થાપના ઈ.સ. 1150 માં ગંગ વંશના શાસનકાળમાં કરવામાં આવી હતી. મંદિરના રેકોર્ડ મુજબ અવંતિના રાજા ઇન્દ્રદ્યુમ્ને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે. મંદિરના ચારેય પ્રવેશદ્વાર પર હનુમાનજીની મૂર્તિઓ છે. મંદિરના શિખર પર લગાવવામાં આવેલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે.



Google NewsGoogle News