'મને મારવા ઈચ્છે છે ફડણવીસ...', મરાઠા અનામત આંદોલનકારી જરાંગેનો સનસનીખેજ આરોપ
Maratha Reservation : મરાઠા અનામત આંદોલન કાર્યકર્તા મનોજ જરાંગેએ રવિવારે એલાન કર્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસની બહાર પ્રદર્શન કરશે. જાલનાના અંતરવાલી સરાટીમાં જરાંગેએ અંદાજિત એક કલાક સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે ફડણવીસ વિરૂદ્ધ કેટલાક આરોપ લગાવ્યા.
મને મારવા ઈચ્છે છે ફડણવીસ : જરાંગે
જરાંગેએ કહ્યું કે, કેટલાક લોકોને મારા વિરૂદ્ધ આરોપ લગાવવા માટે લાલચ અપાઈ રહી છે. તેના પર પ્રેશર અપાઈ રહ્યું છે. આ ષડયંત્રો પાછળ ફડણવીસનો હાથ છે. તેઓ મને મારવા ઈચ્છે છે. હું સાગર બંગલા સુધી માર્ચ કરવા તૈયાર છું. આ એલાને તેમના સમર્થકોને ચોંકાવી દીધા છે.
આ એલાનથી સભાસ્થળ પર અફરાતરફી મચી ગઈ છે. જરાંગેના સમર્થક મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમાંથી કેટલાકે તેમનો માઈક્રોફોન છીનવવાનો પ્રયાસ કર્યો તો જરાંગેએ કહ્યું કે, તેઓ એકલા મુંબઈ સુધી માર્ચ કરશે. તેમણે કહ્યું કે, તેમણે તેમના માટે એક લાકડીની જરૂર છે.
આંદોલન વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે ફડણવીસ : જરાંગે
જરાંગેએ આરોપ લગાવ્યો કે નાયબ મુખ્યમંત્રી ફડણવીસ અનામતની માંગ કરી રહેલા મરાઠા સમુદાયના આંદોલનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફડણવીસ લોકો દ્વારા તેમની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષ જાલનામાં પ્રદર્શન દરમિયાન જ્યારે લાઠીચાર્જ થયો હતો, તો ફડણવીસને માફી માંગવી પડી હતી. તેનાથી તેમને મોટો આંચકો લાગ્યો હતો, એટલા માટે તેઓ મરાઠા અનામત આંદોલનને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.