મહારાષ્ટ્રમાં વિપક્ષમાં માત્ર કોંગ્રેસ જ બચશે! શરદ પવાર પછી ઉદ્ધવ ઠાકરે પણ આપી રહ્યા છે નવાજૂનીના સંકેત
Maharashtra Politics: નવા વર્ષમાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણની શક્યતાઓ દેખાવા લાગી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. એવા અહેવાલો છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. સવાલ એ છે કે શું બંને ફરી ભેગા થશે?
તેમજ વિધાનસભા ચૂંટણીમાં ભારે મોટી પછડાટ ખાઈ ચૂકેલા શરદ પવાર હવે પુત્રી સુપ્રિયા ભાવિનું સુરક્ષિત કરવા ઈન્ડિયા ગઠબંધનનાં ડૂબતાં જહાજને છોડી દેવા ભાજપ સાથે જોડાણના પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પણ ભાજપ માટે કૂણું વલણ અપનાવી રહ્યા છે અને બીએમસી ચૂંટણીમાં કોંગ્રેસને છેહ આપવાની તૈયારીમાં છે. ભાજપ માટે આ ફાયદોનો સોદો છે.
ફડણવીસ અને ઉદ્ધવના નિવેદનો અટકળોનું બજાર ગરમ
હાલ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેને લઈને અટકળોનું બજાર ગરમ છે. તેમજ ફડણવીસ અને ઉદ્ધવના નિવેદનોથી આ અટકળો વધુ તેજ બની છે. દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ ભવિષ્યમાં હાથ મિલાવવાની શક્યતાને નકારી નથી.
નાગપુરમાં એક કાર્યક્રમમાં જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને UBT અને BJP એકસાથે આવવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ ન આપતા કહ્યું હતું કે, 'રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી.' જ્યારે UBT ચીફ ઉદ્ધવને મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, 'રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. કાલે શું થશે તે કહી શકાતું નથી.
ફડણવીસે પોતે આપ્યા હતા સંકેત
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઈન્ટરવ્યૂમાં રાજ ઠાકરે તેમજ ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પહેલા અમારા મિત્ર હતા. હવે રાજ ઠાકરે અમારા મિત્ર છે. ઉદ્ધવ ઠાકરે અમારા દુશ્મન નથી.'
દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવની નિકટતાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મહાવિકાસ અઘાડીમાં તિરાડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાવિકાસ અઘાડીમાં બધુ બરાબર નથી. મહાવિકાસ અઘાડીના નેતાઓ હાર માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. હવે ઉદ્ધવ સેનાએ પોતે કહ્યું છે કે તે તેના ઈન્ડિયા એલાયન્સ સાથી પક્ષો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે નહીં. સંજય રાઉતે કહ્યું છે કે ઉદ્ધવ જૂથ કોર્પોરેશનની ચૂંટણી એકલા હાથે લડશે.
આ પણ વાંચો: ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું 'મિલન'! બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ
આવી અટકળો કેમ શરુ થઈ?
નાગપુરમાં શિયાળુ સત્રમાં ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની ઉષ્માભરી મુલાકાત રહી હતી. તેમજ ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસને બુકે પણ આપ્યો હતો. આ પછી છેલ્લા કેટલાક દિવસોમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દેવેન્દ્ર ફડણવીસને ત્રણ વખત મળ્યા છે. વાત ત્યાં પૂરી નથી થતી. ઠાકરેના શિવસેનાના મુખપત્ર 'સામના'માં પણ ફડણવીસના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમને જોતા લાગે છે કે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે.