ચૂંટણી બાદ જ ખબર પડશે કે કોણ કોની સાથે....' કદાવર નેતાના નિવેદન પછી મહારાષ્ટ્રમાં સનસનાટી
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં પહેલા ચાર રાજકીય પક્ષ હતા, પરંતુ શિવસેના અને NCP વચ્ચેના ભાગલાને કારણે હવે છ પક્ષો ચૂંટણી મેદાનમાં છે. આ દરમિયાન એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે શું ચૂંટણી પછી પણ આ જ ચિત્ર રહેશે કે પછી અમુક પક્ષો પણ પક્ષ બદલી શકે છે? ત્યારે NCP (અજિત પવાર જૂથ)એ પણ કહ્યું છે કે વાસ્તવિક ચિત્ર ચૂંટણી પછી જ સામે આવશે. દરમિયાન ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ સ્વીકાર્યું છે કે ચૂંટણી પછી કંઈ પણ થઈ શકે છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે, 'વિધાનસભા ચૂંટણી 'વિચિત્ર' છે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે કયું જૂથ કોને સમર્થન આપી રહ્યું છે.'
ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન
ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની આગેવાનીવાળી NCP અને BJPની 'મહાયુતિ' ગઠબંધન કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (ઉદ્ધવ જૂથ) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP પર ભારે પડી રહી છે. પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે છે.'
આ પણ વાંચો: ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય પંજાનો સાથ છોડી AAPમાં જોડાયા
ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે તેમના સાથીદારો અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેનો 'મૂળ' અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વારંવાર ઉપયોગમાં લેવાતા સૂત્રએ તેની નિંદા કરવા માટે વિપક્ષોને એક કર્યા છે. વિપક્ષનો દાવો છે કે આ સૂત્ર સાંપ્રદાયિક અસરો ધરાવે છે, જ્યારે શાસક ગઠબંધનના કેટલાક નેતાઓએ તેની સામે વાંધો પણ ઊઠાવ્યો છે.
આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી બાદ પોતે સીએમ બનવાની શક્યતાઓ વિશે જણાવ્યું હતું કે, 'ભાજપ મને જે કરવાનું કહેશે, હું કરીશ. જીના યહા મરના યહાં ઇસકે સિવા જાના કહા.. ભાજપ મને જ્યાં જવા કહેશે ત્યાં જઈશ.'