મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાસે કરોડોની સંપત્તિ, પણ કાર નહીં, શેરમાર્કેટમાં પણ રોકાણ ઝીરો
Maharashtra Election: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો સ્પષ્ટ બન્યો છે. આજે મુંબઈમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં આયોજિત ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલે સાંજે પાંચ વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં તેઓ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે. ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે સત્તાની કમાન સંભાળશે. દેવેન્દ્ર ફડણવીસ પાસે કરોડોની સંપત્તિ છે. જેનો ખુલાસો ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી પત્રમાં થયો હતો.
13 કરોડની નેટવર્થ, કુલ આવક 79.3 લાખ
મહારાષ્ટ્રના નવા સીએમ ફડણવીસ પાસે કુલ રૂ. 13.27 કરોડની નેટવર્થ છે. જ્યારે 62 લાખનું દેવું છે. દેવેન્દ્ર ફડણવીસે 2023-24માં કુલ 79.3 લાખની વાર્ષિક કમાણી કરી હતી. તે અગાઉના વર્ષે રૂ. 92.48 લાખ હતી. મુખ્યમંત્રી શેરમાર્કેટ, બોન્ડ અને ડિબેન્ચર્સમાં કોઈપણ પ્રકારનું રોકાણ ધરાવતા નથી.
પત્ની શેરબજારમાં કરે છે કરોડોનું રોકાણ
દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીના જોઇન્ટ બૅન્ક એકાઉન્ટમાં રૂ. 5 લાખથી વધુની ડિપોઝિટ છે. ફડણવીસ શેરબજારમાં કોઈ રોકાણ કરતાં નથી, પરંતુ તેમના પત્ની શેરબજાર, બૉન્ડ અને ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 5.63 કરોડનું રોકાણ ધરાવે છે. તદુપરાંત ફડણવીસે NSS-Postal Saving એકાઉન્ટમાં રૂ. 17 લાખનું રોકાણ કર્યું છે. 3 લાખ રૂપિયાની એલઆઇસી પોલિસી પણ છે.
લાખોની જ્વેલરી, પણ કોઈ કાર નહીં
દેવેન્દ્ર ફડણવીસ પાસે આશરે 450 ગ્રામ સોનું અને પત્ની પાસે 90 તોલા સોનું છે. જેની કિંમત આશરે રૂ. 98 લાખ છે. જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે કોઈ કાર નથી. તેમની પત્નીએ રૂ. 62 લાખની લોન લીધી છે.
3 કરોડના ઘરમાં રહે છે મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામે રૂ. 3 કરોડનું ઘર છે અને બીજું ઘર રૂ. 47 લાખની કિંમતનું છે. તેમની પત્ની અમૃતાના નામ પર 1.27 કરોડ રૂપિયાની કૃષિ જમીન અને રૂ. 36 લાખની રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે.