મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતાં ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે બેઠક
Maharashtra Election: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઇતિહાસ રચવા જઈ રહી છે. ગત ચૂંટણીમાં 105 બેઠકો પર જીત મેળવી હતી. જેથી આ વખતે 125થી વધુ બેઠકો પર જીત જોવા મળી રહી છે. એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેના 81 બેઠકો પરથી 55 બેઠકો પર લીડ કરી રહ્યું છે. મહાયુતિની બહુમતી સાથેની જીતથી હવે સવાલ ઊભો થયો છે કે, મુખ્યમંત્રી કોણ બનશે?
એવી કોઈ ફોર્મ્યુલા નથી બનાવી, બેઠક બાદ નિર્ણય લેવાશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનએ જબરદસ્ત લીડ મેળવી છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો પણ તેમણે જવાબ આપ્યો છે. શિંદેને પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલા સૌથી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવવાની વાત થઈ હતી. જેના જવાબમાં તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા આવી કોઈ ફોર્મ્યુલા બનાવવામાં આવી નથી. એકનાથ શિંદેએ કહ્યું કે આ અંગે મહાગઠબંધનના તમામ પક્ષોની બેઠક થશે. ત્યારબાદ તે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આજે હું મહારાષ્ટ્રના તમામ મતદારોનો આભાર માનું છું કારણ કે આ જીત ઐતિહાસિક છે. આ પ્રસંગે એકનાથ શિંદેએ મહાયુતિના તમામ કાર્યકરોનો આભાર પણ માન્યો હતો.
આ પણ વાંચોઃ યુપીમાં 31 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારું પરિણામ, ભાજપ માટે મોટી જીત
કોણ બનશે મુખ્યમંત્રી?
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની બહુમતીને ધ્યાનમાં રાખતાં ભાજપ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. પરંતુ એકનાથ શિંદેને પણ મુખ્યમંત્રી પદ આપવામાં આવે તેવી માગ શિવસેનાના કાર્યકરો દ્વારા થઈ રહી છે. મહાયુતિની જીત બાદ આવતીકાલે સીએમ પદ માટે બેઠક યોજાય તેવી વકી છે. અગાઉ 2019ની ચૂંટણીમાં શિવસેનામાં એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બની. શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સોંપવામાં આવ્યું. પરિણામે મહારાષ્ટ્રમાં કોઈપણ રાજકીય ખેંચતાણ વિના મહાયુતિએ શાસન કર્યું. પરંતુ તે સમયે ભાજપ પાસે 105 બેઠકો હતી. આ વખતે ભાજપ 125થી વધુ બેઠક જીતી શકે છે, તો સમય આવી ગયો છે કે, શિંદે ભાજપને રિટર્ન ગિફ્ટમાં સીએમની ખુરશી આપે.
એકનાથ શિંદેનું ભવિષ્ય
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બને તેવી શક્યતાઓ વધી છે. જો આમ થાય તો એકનાથ શિંદેના ભવિષ્ય પર સવાલ છે કે, મુખ્યમંત્રી રહી ચૂકેલા શિંદે નવી સરકારમાં કઈ ભૂમિકા નિભાવશે? અપેક્ષા છે કે, ગઠબંધનમાં તેઓ ફડણવીસના ડેપ્યુટી સીએમ તો નહીં જ બને, તેમને મહત્ત્વનું મંત્રાલય સોંપી શકે છે. જેથી મહારાષ્ટ્રમાં તેમનો પક્ષ અને નેતાઓનો વિશ્વાસ જળવાઈ શકે.