મતદાનની વધેલી ટકાવારીથી અમને જ ફાયદો થશે; ફડણવીસ ઉત્સાહિત, કરી મોહન ભાગવત સાથે મુલાકાત
Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં શરૂઆતના કલાકોમાં એવું લાગતું હતું કે મતદાન ધીમું થયું હતું, પરંતુ સાંજે જ્યારે આંકડા આવ્યા ત્યારે તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત મહારાષ્ટ્રમાં 65 ટકાથી વધુ મતદાન થયુ છે.
છેલ્લા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન
ગઢચિરોલી અને કોલ્હાપુર જેવા જિલ્લાઓમાં મતદાનનો આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે. હવે રાજકીય પંડિતો મતદાનની વધેલી ટકાવારી અંગે પોતપોતાની અટકળો લગાવી રહ્યા છે, પરંતુ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉત્સાહિત છે.
ફડણવીસનું કહેવું છે કે ભાજપ અને મહાયુતિને આ વખતે ફરીથી જનતાના આશીર્વાદ મળશે. મહારાષ્ટ્રમાં ગ્રામીણ જિલ્લાઓમાં સૌથી વધુ મતદાન થયુ હતુ, જ્યારે મુંબઈ ક્ષેત્રમાં માત્ર 52 ટકા મતદાન થયું હતું.હવે બે મોટા ગઠબંધન, મહાયુતિ અને મહાવિકાસ અઘાડી પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
ડેપ્યુટી સીએમ ફડણવીસે કરી મોહન ભાગવત સાથે મુલાકાત
વધુ મતદાન થવા બાબતે ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું કે જ્યારે પણ વોટ ટકાવારી વધે છે ત્યારે માત્ર ભાજપને જ ફાયદો થાય છે. સ્પષ્ટ છે કે આ વખતે પણ ભાજપ અને મહાયુતિને ફાયદો થવાનો છે. વોટિંગ કર્યા બાદ તેઓ બુધવારે સાંજે આરએસએસ હેડક્વાર્ટર ગયા અને ત્યાં આરએસએસ ચીફ મોહન ભાગવતને મળ્યા હતા.
આ પણ વાંચો; લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈની ભારત સરકારથી બચવાની યુક્તિ, અમેરિકામાં માંગ્યો આશ્રય
ફડણવીસને સીએમ પદ માટે RSSનું સમર્થન મળ્યું હોવાની અટકળો
સૂત્રોનું કહેવું છે કે આ બેઠક દરમિયાન મોહન ભાગવત સિવાય વરિષ્ઠ નેતા ભૈયાજી જોશી પણ હાજર હતા. તેઓ સંઘના મુખ્યાલયમાં લગભગ 20 મિનિટ રોકાયા અને પછી ચાલ્યા ગયા. આ બેઠક અંગે ભાજપના નેતા કે અન્ય કોઈ સૂત્રોએ કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ ચર્ચાએ જોર પકડ્યું છે કે કદાચ ફડણવીસને સીએમ પદ માટે RSSનું સમર્થન મળ્યું છે.