શિંદેને મનાવવા ભાજપના પ્રયાસ: દિલ્હીથી ચાલુ બેઠકમાં ફડણવીસે ઘુમાવ્યો ફોન, જાણો શું થઈ વાત
Maharashtra Cabinet Updates: મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરવા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હી આવવાના હતા. પરંતુ બુધવારે બપોરે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જ દિલ્હી આવ્યા. અમિત શાહ અને જેપી નડ્ડા સાથે આ મુદ્દે બેઠક પણ કરી દીધી. જો કે, અજિત પવાર સાથે અમિત શાહે અલગથી બેઠક કરી હતી. જ્યારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે આ બેઠક અને ચર્ચાનો ભાગ બન્યા નથી. જેના લીધે અટકળો ચાલી રહી છે કે, શું એકનાથ શિંદે ફરીથી ગુસ્સે થયા છે અને તેઓ માત્ર પોતાનો વિરોધ નોંધાવવા દિલ્હી ગયા નથી.
ફડણવીસની પણ લાંબી મુલાકાત
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે લાંબી મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે,ચાલુ બેઠકમાં જ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ફોન કર્યો હતો. બાદમાં, બંને નેતાઓ વચ્ચે કેબિનેટ વિસ્તરણ અને વિભાગોના વિભાજન મુદ્દે વાતચીત થઈ હતી.
શિંદે ફોન પણ ઉપાડતા નથી?
પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને એકનાથ શિંદેના ઘરે મોકલવામાં આવ્યા હતા. તેમણે જ એકનાથ શિંદે સાથે વાત કરાવી હતી. તો શું શિંદેને મનપસંદ મંત્રાલય ન ફાળવવામાં આવતાં તેઓ ફોન પણ ઉપાડી રહ્યા નથી? એવી અટકળો પણ વહેતી થઈ છે. સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદેને ગૃહ મંત્રાલય ન અપાયું હોવા છતાં તેમને PWD અને મહેસૂલ મંત્રાલય આપીને ખુશ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
શિંદેની નારાજગીનો લાભ પવારને
અમિત શાહ પાસે બેઠેલા દેવેન્દ્ર ફડણવીસે ફોન પર આ જ ઓફર આપી હતી. હાલમાં એ જાણી શકાયું નથી કે એકનાથ શિંદેનું સ્ટેન્ડ શું છે. પરંતુ તેમના વલણ પરથી સ્પષ્ટ છે કે તે કમ્ફર્ટેબલ નથી. બુધવારે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સાથે ગયા હતા અને બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે એકનાથ શિંદેની નારાજગીનો લાભ અજિત પવારને થઈ રહ્યો છે. તેમને લાગે છે કે શિવસેનાને અજિત પવાર કરતાં વધારે મંત્રીઓ મળવા જોઈએ. અત્યાર સુધીની માહિતી મુજબ ભાજપ 20થી 22 વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે. આ સિવાય શિવસેના અને એનસીપીને 10-10 મંત્રાલયો આપવા તૈયાર છે.
પરંતુ એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે અમારી પાસે ઓછામાં ઓછા 12 વિભાગ હોવા જોઈએ. કારણ કે અમે એક મોટી પાર્ટી અને ભાજપના જૂના સાથી છીએ. આ ખેંચતાણ વચ્ચે અજિત પવાર સૌથી વધુ ફાયદામાં હોવાનું જણાય છે. તેઓ અધવચ્ચે એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા અને હવે તેઓ ભાજપની ખૂબ નજીક આવી ગયા છે. ફડણવીસે પણ તાજેતરમાં કહ્યું હતું કે અજિત પવાર વ્યવહારુ છે, જ્યારે એકનાથ શિંદે લાગણીશીલ છે. બંને નેતાઓ સાથે કામ કરવામાં તેમને કોઈ સમસ્યા નથી.