ઉત્તરાખંડ, ઉત્તર કાશીમાં વાદળ ફાટતાં તબાહી : ઘરો, સડકો તૂટયાં, સ્કૂલો બંધ
- ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે નં. 250 બંધ કરાયો : તમામ નદીઓમાં ભારે પૂર : અનેક યાત્રિકો ફસાયા
ઉત્તર કાશી : ઉત્તરાખંડ ભારે વરસાદ થતાં તબાહી મચી ગઈ છે. ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે ૨૫૦ બંધ કરાયો છે. રાજ્યના તમામ માર્ગો બંધ થઇ ગયા છે. ઉત્તરકાશી જિલ્લાનાં પુરોલા ગામમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતાં અનેક ઘરોને નુકસાન થયું છે. કેટલાયે માર્ગો ધોવાઈ ગયા છે. એસ.ડી.એમ.દેવનંદન શર્માએ જણાવ્યું હતું કે ભારે વર્ષાને લીધે અનેક ઘરો, માર્ગો અને વાહનો ક્ષતિગ્રસ્ત થઇ ગયાં છે. નુકશાન એટલું બધું થયું છે કે તેને અંદાજ લગાવવો મુશ્કેલ છે. અમે અંદાજ મેળવવા કોશીશ કરીએ છીએ ને પછી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.
ઉત્તરાકાશીના જિલ્લા મેજિસ્ટેટ શનિવાર સુધી સ્કૂલો બંધ રાખવા આદેશ આપી દીધો હતો. જિલ્લામાં તમામ મોટી નદીઓમાં પૂર આવ્યા છે. સડકો તૂટી તો ગઈ જ છે. પરંતુ તેની ઉપર કાટમાળ પડતાં તે બંધ થઇ ગઈ છે.
જિલ્લામાં ગઇકાલે મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદને લીધે ટૂરિસ્ટ કોટેજીઝ પણ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. કસ્તૂરબા ગાંધી બાલિકા-આવાસીય વિદ્યાલયમાં પાણી ઘૂસ્યાં છે. ખંડેરોની ઇંટો વગેરે પણ ધસી જતાં તે વિદ્યાલય બંધ કરવું પડયું છે. કેટલાંયે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. સાથે, ઇંટો વ. પણ ઘૂસ્યાં છે.
અત્યંત ભારે વર્ષાની માહિતી મળતાં રાત્રેને રાત્રે જ વહીવટી તંત્રની ટીમો તથા સ્ટેટ-ડીઝાસ્ટર-રીલીફ-ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની ટુકડીઓ કાર્યરત કરાઈ હતી અને લોકોને સુરક્ષિત સ્થળોએ ફેરવતાં કોઈ જાનહાની થઇ નથી. એ ડીએલપુરૌલા દેવાનન્દ શર્મા, એડીએમ (બડકોટ)ના જિતેન્દ્રકુમાર, પોલીસ ફોર્સ તથા એન.ડી.આર.એફની ટીમો સ્થળો પર પહોંચી ગઇ હતી.