આજે કાશીમાં ધામધૂમથી મનાવાશે દેવ દિવાળી, 12 લાખ દીપથી ઝળહળી ઊઠશે ઘાટ, 70 દેશોના રાજદૂત નિહાળશે
સીએમ યોગી પણ આ સમયે સમારોહમાં હાજર રહેશે
8થી 10 લાખ લોકો આ પર્વમાં જોડાશે
Kashi Dev Diwali Celebration | કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ જ્યારે દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠે છે તો લાગે છે કે જાણે રોશનીનો આ ઝગમગાટ મા ગંગાના શૃંગાર માટે જ કરાયો છે. આ અદભૂત છટાને જોઇ એવો અહેસાસ થાય છે કે જાણે તારલાં જમીન પર ઊતરી આવ્યા હોય. આ અલૌકિક દૃશ્યને જોવા મોટી સંખ્યામાં ભારતીયો તથા વિદેશી મહેમાનો આવી પહોંચે છે. આ નજારો તમને આજે જોવા મળશે. જ્યારે ખુદ ભગવાન દેવ દીવાળી મનાવવા માટે સ્વર્ગથી કાશીના ઘાટ પર ઉતરશે.
12 લાખ દીપથી ઘાટ થશે રોશન
યોગી સરકાર દેવ દીવાળીને ભવ્ય બનાવવા માટે 12 લાખ દીવડાથી ઘાટને રોશન કરશે. તેમાં એક લાખ દીપ ગાયના ગોબરના બનેલા હશે. સાફ સફાઈ કરીને તિરંગા સ્પાયરલ લાઈટિંગથી શહેર તથા ઘાટ શણગારાયા છે.
8થી 10 લાખ પર્યટકોના આગમનનું અનુમાન
દેવ દીવાળી પર 8થી 10 લાખ પર્યટકો આવે તેવું અનુમાન છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આ વખતે દેવ દિવાળી જોવા માટે 70 દેશોના રાજદૂત, ડેલીગેટ્સ અને પરિવારના લોકો આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મહેમાનો દેવ દિવાળી નિહાળશે.