Get The App

અદાણીકાંડના આટાપાટા: સૌર પ્રોજેક્ટ ભારતનો, લાંચ પણ ભારતીયોને, તો તપાસ અમેરિકામાં કેમ?

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
અદાણીકાંડના આટાપાટા: સૌર પ્રોજેક્ટ ભારતનો, લાંચ પણ ભારતીયોને, તો તપાસ અમેરિકામાં કેમ? 1 - image


ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. એક વિવાદમાંથી બહાર આવ્યા ન-આવ્યા ત્યાં તો બીજો વિવાદ તેમના માટે તૈયાર જ હોય. તાજેતરમાં તેઓ નવા વિવાદમાં સપડાયા છે, જેના છેડા અમેરિકા સુધી લંબાય છે.

શું છે અદાણીના લાંચકાંડનો વિવાદ?

અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી પર એવો આરોપ છે કે તેમણે ભારતમાં સૌર ઊર્જા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને આશરે 2250 કરોડ રૂપિયા એટલે કે 5 મિલિયન અમેરિકન ડોલરની લાંચ આપી છે. આ લાંચની રકમ ભેગી કરવા અદાણી ગ્રૂપે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ માટે અદાણી ગ્રૂપે અમેરિકાની બેંકો અને રોકાણકારો સાથે પણ ખોટા દસ્તાવેજો રજૂ કરીને છેતરપિંડી કરી હતી. આ પ્રોજેક્ટ અદાણી ગ્રૂપ માટે મહત્ત્વનો હતો કારણ કે, તેમાંથી 20 વર્ષમાં અંદાજે 2 અબજ ડોલરનો નફો થવાનું અનુમાન હતું.

કંઈક આવો ખેલ રચાયો હોવાના આરોપ લાગ્યા

આ બાબતે 24 ઓક્ટોબર 2024ના રોજ અમેરિકાની કોર્ટમાં કેસ નોંધાયો હતો અને 20 નવેમ્બર, બુધવારના રોજ ન્યૂયોર્ક કોર્ટમાં તેની સુનાવણી થઈ. તેમાં કોર્ટે જણાવ્યું હતું કે, અદાણીની કંપની અને અમેરિકન ઈશ્યુઅરે (‘એઝર પાવર’ના પૂર્વ સી.ઈ.ઓ. રણજીત ગુપ્તા અને એઝર પાવરના કન્સલ્ટન્ટ રૂપેશ અગ્રવાલ) ભારત સરકારી માલિકીની ‘સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (SECI)ને 12 ગીગાવોટ સોલાર ઊર્જા આપવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. જો કે SECI ને ભારતમાં સૌર ઊર્જાના ખરીદાર ન મળતા આ સોદો આગળ વધે એમ નહોતું. સોદો ન થાય તો અદાણી ગ્રૂપ અને એઝર પાવર બંનેને ભારે નુકસાન થાય. તેથી બંને કંપનીએ સોદો પાર પાડવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાની પેરવી કરી. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ SECI સાથે વીજ પુરવઠાનો કરાર કરવા તૈયાર થઈ જાય, તેની જવાબદારી સરકારી અધિકારીઓને સોંપાઈ અને એ કામ માટે તેમના ખિસ્સા ગરમ કરાયા. આ માટે 2,250 કરોડ રૂપિયા ભેગા કરાયા હતા. એટલે કલ્પના કરો કે કેટલા મોટા પાયે આ ભષ્ટ્રાચાર થયો હશે.

આટલા નાણાં અમેરિકામાંથી એકત્ર કરાયા

કેટલીક વીજ કંપનીઓ આ કામ માટે સંમત થઈ હતી અને તેમણે સૌર ઊર્જા ખરીદવા SECI સાથે કરાર કર્યા. લાંચનો મોટો ભાગ આંધ્ર પ્રદેશના અધિકારીઓને આપ્યો હોવાનું કહેવાય છે. આ બંને કંપનીઓએ અમેરિકન બેંકો અને રોકાણકારો પાસેથી 175 મિલિયન ડોલરથી વધુ નાણાં એકત્ર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

લાંચ આપવા માટે કરાઈ ચાલાકી

લાંચ આપનારી બંને કંપનીએ તેમની સંડોવણી છુપાવવા માટે કોડ નેમનો ઉપયોગ કર્યો હતો, જેમાં ગૌતમ અદાણીને 'ન્યૂમેરો ઉનો' અથવા 'ધ બિગ મેન' જેવા નામ અપાય હતા. સમગ્ર લાંચ-વ્યવહાર એનક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા કરાયો હતો, જેથી કોઈની પકડમાં ન અવાય. લાંચ આપવાની યોજના બનાવવા બેઠકો પણ યોજાઈ હતી. આ માટે ગૌતમ અદાણી પોતે પણ સરકારી અધિકારીઓને વ્યક્તિગત રીતે મળ્યા હોવાની વાત બહાર આવી છે.

આ કારણસર અમેરિકામાં તપાસ શરૂ કરાઈ છે

અદાણી ગ્રૂપ ભારતનું છે, પ્રાસ્તાવિક પ્રોજેક્ટ ભારતમાં છે અને જે અધિકારીઓને લાંચ અપાયાના આરોપ છે તે પણ ભારતીય જ છે. તો પછી તપાસ અમેરિકામાં શા માટે શરૂ થઈ?— એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. મુદ્દો ભારતને લગતો હોવા છતાં આ પ્રોજેક્ટમાં અમેરિકન રોકાણકારોના નાણાં લાગેલા હોવાથી અમેરિકાએ તપાસ શરૂ કરી છે.  

શું કહ્યું અમેરિકન કોર્ટે?

અમેરિકાની કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ભારતમાં સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા અદાણી ગ્રૂપે ભારતીય અધિકારીઓને લગભગ 2250 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને એ રકમ પ્રોજેક્ટમાં અમેરિકન નાગરિકો દ્વારા કરાયેલા રોકાણમાંથી ફાળવાઈ હતી. આ બાબતે રોકાણકારો અને બેંકોને અંધારામાં રખાયા હતા.’

અમેરિકાનો કાયદો શું કહે છે?

અમેરિકામાં લાંચ આપવી એ ગંભીર ગુનો ગણાય છે. અમેરિકાના કાયદા મુજબ અમેરિકાની બહાર થયેલો ભ્રષ્ટાચાર પણ જો અમેરિકાના રોકાણકારો અથવા ત્યાંના બજારના હિતોને અસરકર્તા હોય તો એ મુદ્દે અમેરિકાની કોર્ટમાં કેસ ચાલી શકે છે. અદાણીના આ કિસ્સામાં સ્પષ્ટપણે અમેરિકનો સંકળાયેલા હોવાથી આ બાબતે અમેરિકામાં તપાસ શરૂ થઈ છે.

હિન્ડનબર્ગ રિપોર્ટ પણ સામે આવ્યો

અદાણી ગ્રૂપ દ્વારા આ લાંચ કથિત રીતે વર્ષ 2020 અને 2024 વચ્ચે આપવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન, 2023માં અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે પણ અદાણી ગ્રૂપ સંબંધિત વિવાદાસ્પદ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં અદાણી ગ્રૂપ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એ સમયે બહુ ચગેલા આ વિવાદને કારણે અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો હતો.

ગૌતમ અદાણી ઉપરાંત આ નામ પણ ઉછળ્યા

અમેરિકાની કોર્ટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ઉપરાંત તેમના ભત્રીજા અને ‘અદાણી ગ્રીન એનર્જી’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી, વિનીત જૈન અને કંપનીના અન્ય 6 અધિકારીઓને પણ આરોપી ઠેરવવામાં આવ્યા છે.

અદાણી ગ્રૂપે આરોપ નકાર્યા

આ મુદ્દે સ્પષ્ટતા કરતાં અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, ‘અમારા પર લગાવવામાં આવેલ આરોપ પાયાવિહોણા છે. અદાણી ગ્રૂપે હંમેશા તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા જાળવી છે અને નિયમોનું પાલન કર્યું છે. અમે અમારા શેરધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ.

ગૌતમ અદાણીની ધરપકડ થશે?

અમેરિકન કોર્ટે આ સમગ્ર કાંડને અત્યંત ગંભીરતાથી લીધો છે અને ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને અન્યો વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ કે ભારત સરકાર સાથે સારાસારી રાખનાર અદાણીની ધરપકડ થશે ખરી? કે આ કેસમાં પણ શરૂઆતની ધમાલ બાદ બધું શાંત થઈ જશે? જોઈએ, શું થાય છે.


Google NewsGoogle News