Get The App

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી છતાં એનડીએનો ટૂંકો પડશે, જાણો બહુમતીનો આંકડો?

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી છતાં એનડીએનો ટૂંકો પડશે, જાણો બહુમતીનો આંકડો? 1 - image


Rajya Sabha Election |  કેન્દ્રીય ચૂંટણી પંચે 9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે  સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ભાજપ 12માંથી 10 બેઠકો જીતશે છતાં રાજ્યસભામાં એનડીએ બહુમતીનો આંકડો પાર નહીં કરી શકે. આ 12 બેઠકો પૈકી 9 બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આરજેડી સરળતાથી જીતી જશે પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની એક-એક બેઠક માટે જંગ જામશે.  

રાજ્યસભાની બેઠકોની સંખ્યા 245 છે પણ હાલમાં 225 સભ્યો છે. આ 12 બેઠકોની ચૂંટણી સાથે રાજ્યસભાની ભરાયેલી બેઠકોનો આંકડો 237 થશે તેથી સ્પષ્ટ બહુમતી માટે 119 સાંસદો જોઈએ પણ 10 બેઠકો પર જીત સાથે પણ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએનો આંકડો 111 પર જ પહોંચશે તેથી બહુમતી માટે એનડીએને વધુ 8 સાંસદોનો ટેકો જોઈશે. લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 97 હતી જ્યારે અત્યારે ભાજપ પાસે 87 સભ્યો હોવાથી આ ચૂંટણી પછી પણ ભાજપના સાંસદોનો આંકડો 97 પર પહોંચી જશે. ભાજપને મહારાષ્ટ્રમાં એક બેઠકનું નુકસાન થશે પણ ઓડિશામાં વધારાની બેઠક મળશે તેથી નુકસાન સરભર થઈ જશે.  કોંગ્રેસને રાજસ્થાન અને હરિયાણામાં એક-એક બેઠકનું નુકસાન થશે પણ તેલંગાણમાં એક બેઠક વધારાની મળશે તેથી સરવાળે એક જ બેઠકનો ફટકો પડશે. બારમી બેઠક આરજેડી પાસે છે અને આરજેડી પોતાની બેઠક જાળવશે જ્યારે મહારાષ્ટ્રમાં બીજી બેઠક માટે જંગ જામશે. 

રાજ્યસભાની જે 12 બેઠકો માટે ચૂંટણી છે તેમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની બે-બે જ્યારે હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેંલગાણા, ત્રિપુરા અને ઓડિશાની એક-એક બેઠક પર ચૂંટણી થશે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, ત્રિપુરામાં બિપ્લવકુમાર દેબ તથા આસામમાં સર્બાનંદ સોનોવાલ અને કામાખ્યા પ્રસાદ તાસા લોકસભામાં જીતતાં ખાલી પડેલી બેઠકો પર ભાજપની જીત પાકી મનાય છે. હરિયાણામાં કોંગ્રેસના દીપેન્દ્રસિંહ હુડ્ડા અને રાજસ્થાનમાં કે.સી. વેણુગોપાલે લોકસભામાં જતાં ખાલી કરેલી બંને બેઠકો પણ ભાજપ જીતી જશે. તેલંગણામાં બીઆરએસના કે. કેશવરાવ કોંગ્રેસમાં જતાં ખાલી પડેલી બેઠક કોંગ્રેસ જીતી જશે તેથી કોંગ્રેસને એક જ બેઠકનું નુકસાન થશે. ઓડિશામાં બીજેડીનાં મમતા મોહંતા ભાજપમાં આવી જતાં ખાલી પડેલી બેઠક પર ભાજપની ટિકિટ પર મમતા ફરી જીતશે તેથી ભાજપને એક બેઠકનો ફાયદો થશે પણ મહારાષ્ટ્રમાં પિયૂષ ગોયલ અને ઉદયનરાજ ભોંસલે લોકસભામાં જીતતાં ખાલી પડેલી બે બેઠકો પૈકી એક બેઠક ભાજપે ગુમાવવી પડે એવું લાગે છે. આ ચૂંટણી પછી ૪ નોમિનેટેડ સભ્યો અને જમ્મુ તથા કાશ્મીરની ૪ મળીને 8 બેઠકો ખાલી રહેશે.


Google NewsGoogle News