સુપ્રીમની મનાઈ છતાં રાજસ્થાનના મકાન પર મધરાતે બૂલડોઝર ચાલ્યું
- નાથદ્વારામાં થયેલી કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ
- સાંજે નોટિસ પાઠવીને મધરાતે મકાન તોડી પાડયું, નગરપાલિકાએ કહ્યું, અમને નોટિસની જાણકારી નથી
નાથદ્વારા : રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં મધરાતે બૂલડોઝર ફેરવીને એક મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. એ પરિવારે ૨૫ લાખ રૂપિયાની ઉધારી કરીને મકાન બાંધ્યું હતું. માત્ર એક નોટિસ આપીને કલાકોમાં મકાનને જમીનદોસ્ત કરી દેવાયું હતું. એનો વિરોધ ઉઠયો છે.
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી સામે થોડા દિવસ પહેલાં રોક લગાવી હતી. સરકારો વારંવાર બુલડોઝર ફેરવીને જે કાર્યવાહી કરે છે તેની સામે સુપ્રીમે સવાલો ઉઠાવ્યા હતા. હજુ તો સુપ્રીમની ટકોર તાજી છે ત્યાં જ રાજસ્થાનના નાથદ્વારામાં મધરાતે એક ઘર પર બુલડોઝર ફરી વળ્યું હતું. પીડિત પરિવારના કહેવા પ્રમાણે ૧૮મી સપ્ટેમ્બરની તારીખ હતી, પરંતુ અચાનક મધરાતે જ ૧૭મીએ ઘર પર બુલડોઝર ચલાવી દેવાયું હતું. સાંજે નોટિસ આપી ને મધરાતે કાર્યવાહી થઈ ગઈ. પીડિત પરિવારે આરોપ મૂક્યો કે શહેરમાં બીજા અનેક બાંધકામો નિયમોની વિરૂદ્ધ બન્યા છે, છતાં રાજકીય રીતે બદલો લેવાની વૃત્તિથી એક જ મકાન પર કાર્યવાહી થઈ હતી.
એ ઘટનાનો વિડીયો સામે આવ્યો પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે ઉગ્ર વિરોધ ઉઠાવ્યો છે અને આ પગલું ભરનારા અધિકારીઓ પણ કાર્યવાહીની માગણી કરી છે. પાલિકાને આ અંગે પૂછવામાં આવ્યું તો અધિકારીએ કહ્યું કે અમને આ નોટિસ અંગે પાકી જાણકારી નથી. સવાલ એવો ઉઠી રહ્યો છે કે બુલડોઝર ચાલ્યું ત્યારે પાલિકાના ૧૦-૧૫ કર્મચારીઓ પણ હાજર હતા ત્યારે પાલિકાના અધિકારીઓને એની જાણકારી કેમ નથી? રાજસ્થાનમાં સુપ્રીમની ટકોર પહેલાં પણ ભજનલાલની સરકારે બુલડોઝર ફેરવ્યાની ઘટનાઓ બની હતી. રાજસ્થાન કોંગ્રેસે નાથદ્વારાની ઘટના બાબતે આકરી ઝાટકણી કાઢી હતી.