TMCના દાવાએ NDAનું વધાર્યું ટેન્શન ! કહ્યું- ‘ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદ્યું છતાં પેટ્રોલ-ડીઝલમાં લોકોને રાહત નહીં’
Petrol-Diesel Price : ભારત પાછલા ઘણાં સમયથી રશિયા પાસેથી ખૂબ સસ્તા દરે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. આમ છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો ન થતાં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ સાકેત ગોખલેએ સોમવારે (4 નવેમ્બર) કેન્દ્રની NDA સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'ભારતીય ઓઇલ કંપનીઓએ રશિયા પાસેથી 'સસ્તું' તેલ ખરીદીને મોટો નફો કર્યો છે, પરંતુ સામાન્ય લોકોને આનો કોઈ લાભ નથી મળી રહ્યો કારણ કે દેશમાં ઇંધણની કિંમતો હજુ પણ આસમાને છે.'
સરકાર પર કર્યા પ્રહાર
ટીએમસીના રાજ્યસભા સાંસદ ગોખલેએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ શેર કરી કહ્યું કે, 'મોદી સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીનો ફાયદો સામાન્ય લોકો સુધી કેમ નથી પહોંચી રહ્યો. ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો પાછળનું ખૂબ જ શરમજનક સત્ય. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશોએ તેના પર પ્રતિબંધો લગાવ્યા હતા. પરિણામે, રશિયાને બેરલ દીઠ 60 ડૉલર કરતાં ઓછા ભાવે ક્રૂડ ઓઇલ વેચવાની ફરજ પડી હતી. ભારત વિશ્વમાં રશિયા પાસેથી તેલના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લાં 2.5 વર્ષથી, ભારત 25 ટકા ડિસ્કાઉન્ટ પર રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, પરંતુ આનો ફાયદો કોને થયો છે?'
આ પણ વાંચોઃ CM સિદ્ધારમૈયાનું ટેન્શન વધ્યું, 5000 કરોડના મુડા કૌભાંડમાં હાજર થવા લોકાયુક્તનું સમન્સ
ભારત રશિયાના તેલનું લોન્ડરિંગ કરી રહ્યું છે
ગોખલેએ કહ્યું કે, 'ભારત હવે યુરોપમાં રિફાઇન્ડ પેટ્રોલિયમનો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે. મૂળભૂત રીતે, આપણે રશિયાના તેલનું લોન્ડરિંગ કરી રહ્યા છીએ. યુરોપ રશિયા પાસેથી સીધું તેલ ખરીદી શકતું ન હોવાથી, આપણે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત કરી તેને પેટ્રોલ અને ડીઝલમાં શુદ્ધ કરી યુરોપને વેચીએ છીએ. આનાથી ભારતીય ખાનગી પેટ્રોલિયમ કંપનીઓને મોટો નફો થયો છે. જે મોદીની ખૂબ નજીકના કોર્પોરેટ્સની માલિકી હેઠળની છે. જો કે, 25-50 ટકા સસ્તા દરે તેલની આયાત કરવા છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.'
સામાન્ય લોકો લૂંટાઈ રહ્યા છે
સાકેત ગોખલેએ કહ્યું કે, 'મોદી સરકાર દાવો કરે છે કે રશિયાથી તેલની આયાત ભારતના હિતમાં છે. પરંતુ શું ભારતના હિતનો અર્થ આપણા લોકોનું કલ્યાણ છે અથવા તેનો અર્થ ખાનગી પેટ્રોલિયમ કંપનીઓ માટે વધુ નફો છે? આ શરમજનક બાબત છે કે મોદી સરકાર દ્વારા ભારતના સામાન્ય લોકોને લૂંટવામાં આવી રહ્યું છે અને રશિયાથી સસ્તા દરે તેલ આયાત કરીને તેમને કોઈ ફાયદો નથી અને તેઓને વધુ કિંમત ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.'
આ પણ વાંચોઃ BIG NEWS : કેનેડામાં હિંદુઓ પર થયેલા હુમલા મુદ્દે PM મોદીની પહેલી વખત આવી પ્રતિક્રિયા
વિશ્વનું ત્રીજું સૌથી મોટું આયાતકાર છે ભારત
નોંધનીય છે કે, સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) દ્વારા ઑગસ્ટમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ગ્રાહક અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડૉલર(23.56 હજાર કરોડ રૂપિયા)નું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. રિપોર્ટ અનુસાર, યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાતના એક ટકાથી પણ ઓછું તેલ ખરીદતું હતું, પરંતુ હવે ભારત તેની કુલ ખરીદીનું લગભગ 40 ટકા તેલ રશિયા પાસેથી આયાત કરે છે.