ચીન સાથે સરહદે તંગદિલી છતાં માધવી બુચનું ચાઈનીઝ ફંડમાં રોકાણ : વિપક્ષ
- લદ્દાખમાં ગલવાન હિંસા પછી ભારતે ચીન સાથે સંબંધો કાપ્યા
- માધવી બુચે નિયમોનો ભંગ કરી 2017-21 વચ્ચે લિસ્ટેડ સિક્યોરિટીઝમાં રૂ. 37 કરોડનું રોકાણ કર્યું હતું : પવન ખેરા
નવી દિલ્હી : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાનાં વડાં માધવી પુરી બુચ હાલમાં ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલાં છે. કોંગ્રેસ દરરોજ તેમના પર એક પછી આક્ષેપ કરી રહી છે. શનિવારે કોંગ્રેસે તેમના પર નવા આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સેબીમાં રહેતાં માધવી પુરી બુચે માત્ર લિસ્ટેડ સિક્યોરિટીઝમાં જ રૂ. ૩૭ કરોડનું ટ્રેડિંગ કર્યું, પરંતુ સરહદ વિવાદના પગલે ચીન સાથે ભારતના સંબંધો કથળેલા હોવા છતાં માધવી બુચે ચાઈનીઝ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.
હિન્ડનબર્ગે સેબી વડાં માધવી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા પછી દેશનો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સતત સેબી પ્રમુખને નિશાન બનાવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા અને જયરામ રમેશે શનિવારે માધવી પુરી બુચ પર સેબીમાં હોવા છતાં માત્ર લિસ્ટેડ સિક્યોરિટીઝમાં ૩૬.૯ કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરવાનો જ નહીં પરંતુ લદ્દાખમાં ગલવાન હિંસા પછી પણ ચાઈનીઝ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખવાના આક્ષેપો કર્યા હતા.
પવન ખેરાએ કહ્યું કે, માધવી બુચે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ વચ્ચે લિસ્ટેડ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ કરી રહ્યાં હતાં, જે સીધે સીધા સેબીના નિયમોનો ભંગ છે. એવામાં સવાલ એ છે કે માધવી બુચ શા માટે ખોટું બોલ્યા કે, અગોરા એક નિષ્ક્રિય (ડોરમેન્ટ) કંપની છે. ત્યાર પછી ફરી માધવી બુચ ખોટું બોલ્યાં કે હું મારું ઘર ભાડે આપી રહી હતી ત્યારે મને ખબર નહોતી કે તે કંપની વોકહાર્ટ સાથે જોડાયેલી છે.
જયરામ રમેશે કહ્યું કે, માધવી બુચ પાસે વર્ષ ૨૦૧૭-૨૧ વચ્ચે કેટલીક વિદેશી અસ્કયામતો પણ હતી. શું વડાપ્રધાન મોદી માધવી બુચના આ રોકાણોથી માહિતગાર હતા? શું વડાપ્રધાનને ખબર હતી કે માધવી બુચે વિદેશમાં જંગી રોકાણ કર્યું છે? ઉપરાંત ચીન સાથે સરહદે તંગદિલી હોવા છતાં ચીનની કંપનીઓમાં માધવી બુચના રોકાણની વડાપ્રધાનને માહિતી હતી?
માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ તરફથી સેબીની પૂર્ણકાલિન સભ્ય હોવા છતાં પોતાની પાછલી કંપની આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા ચૂકવણી મેળવવા મુદ્દે પણ ચર્ચા કરી હતી. માધવી બુચે ક્યારેય પણ અગોરા એડવાઈઝરી અને અગોરા પાર્ટનર્સ સાથે સંકળાયેલી કોઈપણ ફાઈલ જોઈ નથી.