મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત પણ આ રાજ્યમાં ભાજપને એક બેઠકના ફાંફાં, પેટાચૂંટણીમાં જોરદાર ઝટકો
West Bengal Bye Election : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024માં ભાજપને ભવ્ય જીત મળી છે. ભાજપ અને તેના સહયોગીઓનું મહાગઠબંધન મહાયુતીને લગભગ 230 બેઠકો જીતવાની નજીક છે. જ્યારે કોંગ્રેસ, શિવસેના-ઉદ્ધવ, એનસીપી-શરદ પક્ષ ધરાવતું મહાવિકાસ અઘાડી ગઠબંધન 50ની આસપાસ સીમિત થઈ ગયું છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપ એક પણ બેઠક જીતી શકી નથી. પશ્ચિમ બંગાળમાં છ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસ(TMC) એ ત્રણ બેઠકો જીતી લીધી છે અને બાકીની ત્રણ બેઠકો પર પણ આગળ ચાલી રહી છે. એટલું જ નહીં TMCએ મદારીહાટની મહત્ત્વપૂર્ણ બેઠક જીતીને ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે.
આ બેઠકો પર TMCએ મેળવી જીત
મદારીહાટ સીટ ઉત્તર બંગાળમાં આવેલી છે. જ્યાં વર્ષ 2021ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. બાકીની પાંચ બેઠકો દક્ષિણ બંગાળમાં આવેલી છે. જે TMCનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકોના વર્તમાન ધારાસભ્યોએ 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજીનામું આપી દીધું હતું. જેના કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી. જેમાં મદારીહાટ(ST) સિવાય અન્ય વિધાનસભા બેઠકો નૈહાટી, હરોઆ, મેદિનીપુર, તાલડાંગરા અને સીતાઈ(SC)નો સમાવેશ થાય છે.
ભાજપે ગુમાવી મદારીહાટની બેઠક
સીતાઈ બેઠક પર TMCની સંગીતા રૉય 1,30,636 મતોના માર્જિનથી જીતી ગયા હતા. આ અનુસૂચિત જાતિની બેઠક પર TMCની મજબૂત પકડનો સંકેત છે. મદારીહાટ(ST) બેઠક પર TMCના જયપ્રકાશ ટોપ્પોએ જીતી મેળવી હતી. આ બેઠક વર્ષ 2021માં ભાજપે જીતી હતી. આ સિવાય નૈહાટીમાં TMCના સનત ડે 49277 મતોથી જીત્યા હતા.
TMCના વર્ચસ્વને પડકારવું સરળ નથી
હાલના અપડેટ મુજબ, બાકીની ત્રણ બેઠકો પર પણ TMC ઉમેદવારો મોટા માર્જિનથી આગળ છે. હરોઆમાં TMCના એસકે રબીઉલ ઇસ્લામ ઓલ ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટના પિયારુલ ઇસ્લામથી આગળ ચાલી રહ્યા છે. મેદિનીપુરમાં TMCના સુજોય હાજરા અને તાલડાંગરામાં ફાલ્ગુની સિંહબાબુ આગળ છે. આ બેઠકો પર મજબૂત લીડથી સ્પષ્ટ છે કે દક્ષિણ બંગાળમાં TMCના વર્ચસ્વને પડકારવું સરળ નથી.
ભાજપને આ કારણે થઈ રહ્યું છે નુકસાન
આ વખતે પણ ઘણાં પરિબળો ભાજપ માટે અનુકૂળ રહ્યા ન હતા. લોકસભાની ચૂંટણીમાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2024માં તેની બેઠકો ઘટીને 12 થઈ ગઈ હતી. જ્યારે વર્ષ 2019માં ભાજપે 18 બેઠકો જીતી હતી. તે સમયે પણ ભાજપની ચૂંટણી વ્યૂહરચના, સંગઠનાત્મક માળખા પર અનેક સવાલો ઉઠ્યા હતા. આ સિવાય કેન્દ્રીય નેતૃત્વ પર ભાજપની નિર્ભરતા, નાગરિકતા સંશોધન કાયદા(CAA) માટે સમર્થનનો અભાવ પણ નુકસાનકારક સાબિત થયો.
પશ્ચિમ બંગાળના લોકોનો મમતા પર વિશ્વાસ
પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કૉલેજમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલું દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને ચાલી રહેલા વિરોધને કારણે તૃણમૂલ કોંગ્રેસ દબાણમાં હતી. પરંતુ પેટાચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ તોફાનને પાર કરી લીધું છે. જેના કારણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પકડ વધુ મજબૂત બની છે. બંગાળમાં ચાલી રહેલા આ વિરોધ વચ્ચે આ ચૂંટણીઓને તૃણમૂલ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી હતી. પરંતુ ફરીથી પશ્ચિમ બંગાળના લોકોએ મમતા બેનર્જીના નેતૃત્વ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.
મમતા બેનર્જી ભાજપ પર ભારી
આ મુદ્દાથી વિપરીત મમતા બેનર્જીએ પોતાને બંગાળના હિતોના રક્ષક તરીકે રજૂ કર્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપો અને કાયદો અને વ્યવસ્થાની બાબતોમાં નિષ્ફળતા હોવા છતાં તેમનો આ અવતાર મતદારોને પસંદ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવાનું સપનું જોઈ રહેલી ભાજપ મમતાને હરાવવામાં નિષ્ફળ રહી છે. પેટા ચૂંટણીના પરિણામો TMC માટે મોટી રાહત છે. તે જ સમયે આ પરિણામો ભાજપ માટે વધુ એક નિરાશા લાવી છે.