દુષ્કર્મ કેસના આરોપી રામ રહીમને 50 દિવસના પેરોલ મળ્યાં, એક મહિનામાં બીજી વખત જેલની બહાર આવશે
અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમને નવમી વખત પેરોલ મળ્યા
Gurmeet Ram Rahim Parole: હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી 50 દિવસની પેરોલ આપી છે. જોકે, 29 દિવસ પહેલા જ રામ રહીમ પેરોલ બાદ જેલમાં પરત ફર્યા હતા. પરંતુ હવે ફરી એકવાર તેમને પેરોલ મળી છે.
કેદી વર્ષમાં 70 દિવસની પેરોલ મળે છે
અહેવાલ અનુસાર, હરિયાણા સરકારે રામ રહીમને 50 દિવસની પેરોલ આપી છે. આ દરમિયાન રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતમાં બરનાવા આશ્રમમાં રોકાશે. રામ રહીમ શુક્રવારે સાંજે અથવા શનિવારે સવારે રોહતક જેલમાંથી બહાર આવશે. હરિયાણાની જેલના નિયમો અનુસાર, કોઈપણ દોષિત કેદી વર્ષમાં 70 દિવસ માટે પેરોલ મળે છે.
અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમને નવમી વખત પેરોલ મળી ચૂક્યો છે. પ્રથમ વખત 24 ઓક્ટોબર 2020માં એક દિવસની પેરોલ મળી હતી. બીજી વખત 21 મે, 2021માં તેમની બીમાર માતાને મળવા માટે એક દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો. ત્રીજી વખત સાત ફેબ્રુઆરી 2022માં 21 દિવસ માટે,ચોથી વખત જૂન 2022માં એક મહિના માટે,પાંચમી વખત ઓક્ટોબર 2022માં રોજ 40 દિવસના, છઠ્ઠી વખત 21 જાન્યુઆરી 2023માં 40 દિવસના, સાતમી વખત 20 જુલાઈ 2023માં 30 દિવસ માટે, ત્યારબાદ આઠમી વખત નવેમ્બર 2023માં અને હવે 19મી જાન્યુઆરી, 2024ના રોજ નવમી વખત પેરોલ મળ્યા છે.
રામ રહીમ કયા કેસમાં સજા કાપી રહ્યો છે?
રામ રહીમ સિરસામાં પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર દુષ્કર્મ આચરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. રામ રહીમને ઓગસ્ટ 2017માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. ડેરાના પૂર્વ વ્યવસ્થાપક રણજીત સિંહની હત્યાના કેસમાં પણ કોર્ટે ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી હતી.