'ભાજપને વોટ આપજો...', દુષ્કર્મી રામ રહીમે પેરોલથી છૂટ્યાં બાદ અનુયાયીઓને કરી અપીલ
Image Source: Twitter
Gurmeet Ram Rahim: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ડેરા સચ્ચા સૌદા મુખ્યાલયે પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી છે. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે ગુરુવારે મોડી રાત્રે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આયોજિત સત્સંગ દરમિયાન અનુયાયીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અનુયાયીઓને નિર્દેશ વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા સત્સંગ મંચ પરથી ખુલ્લેઆમ આવતા રહ્યા છે. જો કે, આ વખતે આ નિર્દેશ કંઈક અંશે મૌન સ્વરૂપે આપવામાં આવ્યો છે.
ભાજપને વોટ આપજો...
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રામણે આ વખતે સત્સંગ મંચ પરથી કોઈ જાહેરાત નહોતી કરવામાં આવી. ડેરાના અધિકારીઓ ખુલ્લા પ્રાંગણમાં ગયા અને સભામાં સામેલ લોકોને ભાજપને મત આપવા માટે કહ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, અમે અનુયાયીઓને બૂથની નજીક સક્રિય રહેવા માટે પણ કહ્યું છે. દરેક અનુયાયીઓએ પોતાની કોલોનીમાં રહેતાં વધુ 5 મતદારોને મતદાન કરવા સાથે લઈ જવા જોઈએ. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દુષ્કર્મ મામલે 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ સિરસા મુખ્યાલયમાં સત્સંગનો માહોલ બદલાઈ ગયો છે. સક્રિય રાજકીય બાબતોની સમિતિનો ભંગ કરવામાં આવ્યો છે. હવે તેમના અધિકારીઓ અને અનુયાયીઓ સત્સંગનું આયોજન કરાવે છે.
ખુલ્લેઆમ ભાજપનું સમર્થન
અહેવાલ પ્રમાણે પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં રોકાયો છે. તેમણે સિરસામાં પોતાના અધિકારી દ્વારા ભાજપને સમર્થન આપવાનો સંદેશ પહોંચાડ્યો હતો. તમને જણાવી દઈએ કે, ડેરા સચ્ચા સૌદા દ્વારા ભાજપનું સમર્થન એ કોઈ નવી વાત નથી. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં દલિતોમાં ડેરા સચ્ચા સૌદાના મોટા પ્રમાણમાં અનુયાયીઓ છે. તેઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપી રહ્યા છે. દુષ્કર્મ કેસના દોષિત ગુરમીત રામ રહીમ બુધવારે 20 દિવસની પેરોલ મળ્યા બાદ હરિયાણાની રોહતક જેલમાંથી બહાર આવ્યો હતો. તે પોતાની અસ્થાયી મુક્તિ દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા ખાતેના ડેરા આશ્રમમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ભાષણ આપવા અને રાજ્યમાં રહેવા પર પ્રતિબંધ છે.