મહિલા ડેપ્યુટી મેયર શાકભાજી વેચવા મજબૂર! ભેદભાવની કરી ફરિયાદ, 35 વર્ષ સફાઈકર્મી તરીકે કામ કર્યું
Bihar Deputy Mayor Selling vegetables: બિહારના ડેપ્યુટી મેયર ગયાના બજારોમાં શાકભાજી વેચતાં જોવા મળ્યા છે. ડેપ્યુટી મેયર ચિંતા દેવી 35 વર્ષ સુધી સફાઈ કર્મી તરીકે કામ કરતાં હતાં. બાદમાં તેમને ડિસેમ્બર, 2022માં ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. પરંતુ અચાનક માર્ગ પર શાકભાજી વેચતાં જોવા મળતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે.
કેમ શાકભાજી વેચવાના દિવસ આવ્યાં?
ચિંતા દેવીએ પોતાના નિર્ણય વિશે જણાવ્યું કે, તે નગર નિગમથી અત્યંત નારાજ છે. તેમને નગર નિગમના કામકાજો અને નિર્ણયોમાં અવગણવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે. ડેપ્યુટી મેયર હોવા છતાં સત્તાવાર બેઠકો અને શહેરના પ્રોજેક્ટથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને છેલ્લા કેટલાક મહિનાથી પગાર પણ મળી રહ્યો નથી. તેથી તેઓ પ્રશાસનમાં પોતાની મહત્ત્વની ભૂમિકાથી નિરાશ છે.
નગર નિગમમાં થઈ રહી છે અવગણના
ચિંતા દેવીએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, જો મને નિગમના કોઈ કામની જાણકારી ન આપવામાં આવે, તેમાં હસ્તક્ષેપ કરવા દેવામાં ન આવે તો મારા ડેપ્યુટી મેયર હોવાનો શું અર્થ છે? કોઈપણ માન્યતા અથવા સમર્થન વિના કાર્યાલયમાં નવરાં બેસી રહેવું એના કરતાં તો શાકભાજી વેચવી વધુ સારી છે. હાલ તેમને રિટાયર કર્મચારી રૂપે પેન્શન મળે છે. પરંતુ વર્તમાન પદ પર મળતી સુવિધાઓ અને સન્માન મળી રહ્યું નથી. આ મામલે અધિકારીઓએ કોઈ પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આપી નથી.