PM મોદીના સ્વાગતમાં ડેપ્યુટી કમિશ્નરે લોચો મારતાં પદ ગુમાવ્યું, ઝારખંડ સરકારે કરી મોટી કાર્યવાહી
Image Source: Twitter
રાંચી, તા. 02 માર્ચ 2024 શનિવાર
ધનબાદમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન ફરજમાં બેદરકારીના કારણે સરકારે કાર્યવાહી કરતા ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા છે. માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા છે.
ધનબાદના ડીસીની બદલીનું કારણ
વરુણ રંજનની ભૂલના કારણે ધનબાદમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેન અને મુખ્ય સચિવ એલ ખ્યાંગ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી શક્યા નહોતા. સ્વાગત માટે જવાના સમયે જ એક વાહન ખરાબ થઈ ગયુ હતુ જ્યારે બીજા વાહનની ડીસી સમયસર વ્યવસ્થા કરાવી શક્યા નહીં. પીએમ અને સીએમના ગયા બાદ સાંજ થતા જ વરુણ રંજનની બદલીના આદેશ આવી ગયા.
કોણ છે ધનબાદના નવા ડીસી
માધવી રાંચીમાં ઝારખંડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટરના પદ પર હતા. તેઓ 2015 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે રામગઢમાં ડીસી તથા હજારીબાગમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનો હોદ્દો સંભાળ્યો છે. તેઓ લખનૌના રહેવાસી છે.
વરુણ રંજનની JIIDCO મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક
વરુણ રંજનને ઝારખંડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન રાંચીના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. પીએમના કાર્યક્રમ બાદ ડેપ્યુટી કમિશનર વરુણ રંજનની બદલીને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી.
વરુણ રંજનની કલાકોની મીટિંગથી અધિકારી પરેશાન રહેતા હતા
વરુણ રંજન પોતાના કાર્યકાળમાં કોઈ છાપ છોડી શક્યા નથી. તેમની કામ કરવાની શૈલી પણ વિવાદોમાં રહી. અધિકારીઓની ફરિયાદ હતી કે તેઓ કલાકો સુધી મીટિંગો કરતા હતા. અધિકારીઓને કામ કરવાનો સમય મળી શકતો નહોતો. ધનબાદના મુખ્ય મુદ્દાઓ પર તેઓ કંઈ કરી શક્યા નથી. શહેરનું અતિક્રમણ હોય કે તળાવ તેઓ કંઈ કરી શક્યા નહીં. દુર્ગાપૂજાથી લઈને છઠ પર્વ સુધી રાણી ડેમ અંગે જે દુર્દશા થઈ તે લોકો ભૂલી શકશે નહીં.